જૂનાગઢ મનપાનું આગામી તા. ૧૭ ઓગસ્ટે જનરલ બોર્ડ : એજન્ડા માત્ર નામનો : ઠરાવો પસાર કરવા શાસકોનો એકમાત્ર અભિગમ 

અનેક સળગતા પ્રશ્ને શાસકોને ઘેરવા માટે વિપક્ષનો સાણસા વ્યુહ

જૂનાગઢ મનપાનું આગામી તા. ૧૭ ઓગસ્ટે જનરલ બોર્ડ : એજન્ડા માત્ર નામનો : ઠરાવો પસાર કરવા શાસકોનો એકમાત્ર અભિગમ 

જૂનાગઢ તા. ૭
જૂનાગઢ મનપાનું આગામી તા. ૧૭ ઓગસ્ટનાં રોજ જનરલ બોર્ડ મળી રહયું છે. પરંતુ આ જનરલ બોર્ડ માત્ર કાગળ ઉપર કાર્યવાહીનો પર્યાય બની રહે તેવો ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રજાનાં સળગતા પ્રશ્નોને કોરાણે મુકી અને શાસક પક્ષ દ્વારા માત્ર રૂટીન કામો જ ૮ મુદાનાં એજન્ડામાં સામેલ કરતા વિપક્ષ દ્વારા પ્રજાકીય પ્રશ્ને બોર્ડમાં હંગામો મચાવવા અને શાસકોને ઘેરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ અંગે પ્રાત થતી વિગત અનુસાર તા. ૧૭ ઓગસ્ટનાં રોજ જનરલ બોર્ડની બેઠક મળી રહી છે. પરંતુ આ બેઠક માત્ર શોભાનાં ગાઠીયારૂપ બની રહેશે. અને શાસકો પોતાની મનમાની કરશે તેવો માહોલ રચાયો છે.
બોર્ડનાં જાહેર કરાયેલા કાગળો મુજબ શાસકોએ લોકપ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર નામકરણ અને ભુતકાળનાં ઠરાવોને બહાલી આપવા પુરતી જ મર્યાદા રાખી છે. હાઉસટેકસ વળતરની મુદતમાં વધારો, એડવાન્સ ટેકસ ભરનારા મિલકતઘારકો માટે વળતર યોજનાની મુદત ૩૧-૮-ર૬ સુધી લંબાવવાનો મુદો, અવસાન પામેલા સફાઈ કામદારોના વારસદારોને ફિકસ પગારથી રહેમરાહે પાંચ વર્ષ માટે નિમણુંક, શહેરનાં રખડતા ઢોર પકડવાના ૪ ડબ્બાઓના શ્રી ગોપાલ, શ્રી ગિરનાર અને શ્રી કામધેનુ અને શ્રી ગૌધામ ગૌશાળા જેવા નામો રાખવાની પ્રક્રિયા, ખામઘ્રોળ ખાતેના અર્બન હેલ્થ સેન્ટરનું નામ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી, ખલીલપુરનું શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને ટીંબાવાડી હેલ્થ સેન્ટરનું નામ શ્રી અટલબિહારી વાજપાઈ રાખવાના મુદાનો એજન્ડા કાઢવામાં આવ્યો છે. જયારે ચોમાસામાં ધોવાઈ ગયેલા જૂનાગઢનાં બિસ્માર રસ્તાઓની પોલ આ એજન્ડાથી ખુલ્લી પડી છે. ૧પમાં નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ હાજીયાણી બાગ ખાતે રૂા. ર.પ૦ કરોડનાં ખર્ચે બનનારા રિફયુઝ ટ્રાન્સફર સ્ટેશના કામમાં વિલંબ થતો હોવાનું બહાનુ ધરીને તેમાંથી રૂા. ૧ કરોડ ઘટાડીને રોડ રીસરફેસીંગ પેચવર્ક મો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે શાસકો પોતાના જ અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારને ઢાંકવા ગ્રાન્ટની અદલાબદલી કરી રહયા છે. વિપક્ષ કોંગ્રેસ શાસક પક્ષની ઘેરાબંધી કરશે. બિસ્માર રસ્તા, પીવાનાં પાણીની અનિયમીતતા, પ્રિમોન્સુન કામગીરીમાં વેઠ અને સફાઈનાં ધાંધીયા જેવા સળગતા પ્રજાકીય મુદાઓ પર શાસકો અને અધિકારીઓને સવાલના કઠેડામાં ઉભા રાખવામાં આવશે. સામાન્ય સભાના એજન્ડમાં પ્રજાના મુળભુત પ્રશ્નો ગાયબ હોવાથી આ બોર્ડ માત્ર ઔપચારીકતા બની રહેશે કે વિપક્ષનાં આક્રમક વલણ સામે શાસકોએ ઝુકવું પડશે તે તા. ૧૭ ઓગસ્ટનાં જ સ્પષ્ટ થશે.