પશ્ચિમ બંગાળમાં દીદીના સુપડા સાફ : ભાજપનો પ્રચંડ વિજય, તમિલનાડુમાં એકટર વિજય થલાપતિની ટીવીકે પાર્ટીએ સપાટો બોલાવ્યો

આસામમાં ભાજપની હેટ્રીક : ત્રીજી વાર સત્તા કબ્જે કરી, કેરળમાં કોંગ્રેસે ડાબેરીઓ પાસેથી સત્તા છીનવી 

પશ્ચિમ બંગાળમાં દીદીના સુપડા સાફ : ભાજપનો પ્રચંડ વિજય, તમિલનાડુમાં એકટર વિજય થલાપતિની ટીવીકે પાર્ટીએ સપાટો બોલાવ્યો

નવી દિલ્હી,તા.૪:
દેશનો આગામી દિવસોની દિશા દર્શાવનારી પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. દેશભરનું ધ્યાન જેના પર કેન્દ્રિત હતું તે, પશ્ચિમ બંગાળમાં ભાજપે કમાલ કરીને તૃણમુલના સર્વેસર્વો મમતા બેનરજી પાસેથી સત્તાનું સિંહાસન છીનવી લીધું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. જ્યારે તામિલનાડુમાં મોટો ઉલટફેર થયો છે. અહીં સત્તારૂઢ ડીએમકેના કરૂણ રકાસ થયો છે અને તામિલનાડુમાં અભિનેતા વિજય થલાપતિનો ટીવકે પક્ષ આશ્ચર્યજનક રીતે નંબર-૧ પાર્ટી બની ગયો છે. જયારે અન્નાડીએમકે નં.ર ઉપર છે. આસામમાં ભાજપે ફરી સત્તા કબ્જે કરી છે. આસામમાં ભાજપે વિજયની હેટ્રીક લગાવી છે. કેરળમાં ડાબેરીઓનું વહાણ ડુબી ગયું છે. અહિં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનો યુડીએફ મોરચાએ ડાબેરીઓ પાસેથી સત્તા છીનવી લીધી છે. યુડીએફને સ્પષ્ટ ર/૩ બહુમતી મળી ગઈ છે. જ્યારે પોંડીચેરીમાં એનડીએ આગળ ચાલી રહ્યું છે.
આ લખાય છે ત્યારે પશ્ચિમ બંગાળની તમામ ૨૯૩ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે. તેમાં ભાજપ 204, તૃણમુલ 83 અને લેફટ બે બેઠક પર આગળ છે. તામિલનાડુમાં સત્તારૂઢ ડીએમકેના સુપડાસાફ થઈ ગયા છે. ત્યાં ટ્રેન્ડમાં સુપરસ્ટાર વિજય થલાપતિનો પક્ષ સૌથી આગળ છે. નંબર-૧ પાર્ટી બની ગઈ છે. જ્યારે ડીએમકે અને અન્નાડીએમકે પાછળ રહી ગયા છે. ડીએમકે ને 66, અન્નાડીએમકે 51 અને વિજય થલાપતિના ટીવીકે પક્ષને 108 બેઠકો મળી રહી છે.
આસામમાં ભાજપે હેટ્રીક નોંધાવી છે. આસામમાં તમામ ૧૨૬ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે. જેમાં ભાજપ 102, કોંગ્રેસ 26 અને અન્ય 3 બેઠકો મળી રહી છે. કેરળમાં ડાબેરીઓના બારેય વહાણ ડુબ્યા છે. અહિં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફએ સપાટો બોલાવી દીધો છે. કેરળમાં યુડીએફ 102, એલડીએફ 35 અને ભાજપને ૩ બેઠકો મળી રહી છે. 
પોંડીચેરીમાં તમામ તમામ ૩૦ બેઠકના ટ્રેન્ડ મળ્યા છે. જેમાં ભાજપ 17, કોંગ્રેસ 6 અને અન્યને 7 બેઠકો મળી રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. દેશના લોકશાહી ઈતિહાસમાં ભાજપ પ્રથમવાર પશ્ચિમ બંગાળમાં સત્તાના સિંહાસન પર બિરાજમાન થવા જઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતે ઈતિહાસ રચી દીધો છે. અહેવાલો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયની મુલાકાત લઈ શકે છે. મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ચૂંટણી પરિણામો જાહેર થયા પછી પશ્ચિમ બંગાળમાં ક્યાંય પણ ઉમેદવારોની જીતની ઉજવણી માટે વિજય રેલીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ વિવિધ પક્ષોના એજન્ટો ગણતરી કેન્દ્રો સુધી પહોંચી શક્યા ન હોવાના આરોપ લગાવતી ફરિયાદોની તપાસ કરી રહ્યું છે.