રૂ.150 કરોડના ભવ્ય બજેટમાં બનશે ‘મહાવીર કર્ણ’, રાઘવ લોરેન્સનો યોદ્ધા અવતારમાં ફર્સ્ટ લુક રિલીઝ
મહાભારતના કર્ણની ભૂમિકામાં જોવા મળશે રાઘવ લોરેન્સ; રમેશ વર્માના દિગ્દર્શનમાં તૈયાર થનારી ફિલ્મ હિન્દી સહિત પાંચ ભાષામાં થિયેટરમાં રિલીઝ કરવાની યોજના
મુંબઈ, તા.૨૫
ભારતીય સિનેમામાં પૌરાણિક કથાઓ અને મહાકાવ્યો આધારિત ભવ્ય ફિલ્મોની શ્રેણીમાં હવે ‘મહાવીર કર્ણ’નું નામ પણ જોડાઈ રહ્યું છે. અંદાજે રૂ.150 કરોડના બજેટમાં તૈયાર થનારી આ ફિલ્મમાંથી અભિનેતા અને દિગ્દર્શક રાઘવ લોરેન્સનો પ્રથમ સત્તાવાર લુક જાહેર કરવામાં આવ્યો છે. ફિલ્મમાં લોરેન્સ મહાભારતના પ્રખ્યાત યોદ્ધા કર્ણની ભૂમિકામાં જોવા મળશે.
ફર્સ્ટ લુક પોસ્ટરમાં રાઘવ લોરેન્સને કર્ણના યોદ્ધા અવતારમાં રજૂ કરવામાં આવ્યા છે. લોરેન્સ અત્યાર સુધી મુખ્યત્વે કોમર્શિયલ, એક્શન અને હોરર-કોમેડી ફિલ્મોમાં જોવા મળ્યા છે ત્યારે ‘મહાવીર કર્ણ’માં તેમનો અંદાજ અગાઉની ફિલ્મોથી અલગ રહેવાનો છે. આ ફિલ્મ દ્વારા તેઓ મોટા પડદા પર પૌરાણિક પાત્ર ભજવતા જોવા મળશે.
પેન મૂવીઝ દ્વારા ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર ‘One Face. One Legend. One Warrior’ ટેગલાઇન સાથે રજૂ કરવામાં આવ્યું છે. નિર્માતાઓ દ્વારા ‘મહાવીર કર્ણ’ને મહાભારતના યોદ્ધા કર્ણની ગાથાને મોટા કેનવાસ પર રજૂ કરતી ફિલ્મ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે.
ફિલ્મનું દિગ્દર્શન રમેશ વર્મા સંભાળી રહ્યા છે. તેઓ અગાઉ ‘રાક્ષસુદુ’ અને ‘ખિલાડી’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂક્યા છે. એક્શન અને કોમર્શિયલ સિનેમામાં કામ કર્યા બાદ હવે તેઓ મહાભારતના કર્ણના પાત્ર અને તેની ગાથાને ભવ્ય સિનેમેટિક સ્વરૂપમાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
કર્ણ મહાભારતના સૌથી ચર્ચિત યોદ્ધાઓ પૈકીનું એક પાત્ર છે. તેની વીરતા, દાનવીરતા, મિત્રતા અને જીવનના સંઘર્ષને કેન્દ્રમાં રાખીને ફિલ્મની વાર્તા આગળ વધશે. રાઘવ લોરેન્સ જેવા એક્શન અને ડાન્સ માટે જાણીતા કલાકાર આ પાત્રને મોટા પડદા પર કેવી રીતે રજૂ કરે છે તેના પર પણ દર્શકોની નજર રહેશે.
‘મહાવીર કર્ણ’ને મોટા પાયે પેન-ઇન્ડિયા ફિલ્મ તરીકે તૈયાર કરવાની યોજના છે. ફિલ્મને તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષામાં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. અંદાજે રૂ.150 કરોડના બજેટ સાથે તૈયાર થનારી આ ફિલ્મમાં ભવ્ય સેટ, એક્શન અને મહાકાવ્યને અનુરૂપ વિશાળ દૃશ્યો પર ખાસ ભાર રહેવાની અપેક્ષા છે.
ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર થતાં ‘મહાવીર કર્ણ’ને લઈને ચર્ચા શરૂ થઈ છે. જોકે ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ અને થિયેટ્રિકલ રિલીઝ તારીખ સહિતની મહત્વપૂર્ણ વિગતો હજુ જાહેર થવાની બાકી છે.


