સુભાષ ઘાઈએ યાદ કર્યો સલમાન ખાન સાથેનો જૂનો ઝઘડો, કહ્યું- ‘વાત હાથાપાઈ સુધી પહોંચી હતી’
‘યુવરાજ’માં સાથે કામ કરતાં પહેલાં પાર્ટીમાં થયો હતો વિવાદ; સુભાષ ઘાઈના જણાવ્યા મુજબ સલીમ ખાનના ઠપકા બાદ સલમાને ઘરે જઈમાફી માંગી હતી
મુંબઈ, તા.૩૧
બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર સુભાષ ઘાઈએ સલમાન ખાન સાથે વર્ષો પહેલાં થયેલા એક વિવાદ અંગે ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે દાવો કર્યો કે એક પાર્ટીમાં બંને વચ્ચે બોલાચાલી એટલી વધી ગઈ હતી કે મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. આ ઘટના વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘યુવરાજ’માં બંને સાથે કામ કરે તે પહેલાંની હોવાનું તેમણે જણાવ્યું છે.
સુભાષ ઘાઈના જણાવ્યા અનુસાર પાર્ટી દરમિયાન સલમાન ખાન નશામાં હતો અને કોઈ મુદ્દાને લઈને બંને વચ્ચે મતભેદ સર્જાયો હતો. ઘાઈએ કહ્યું કે સલમાનને તેમના એક નિર્ણય અંગે નારાજગી હતી. વાતચીત દરમિયાન તેમણે સલમાનને સમજાવ્યું હતું કે ડિરેક્ટર તરીકે તે નિર્ણય લેવાનો અધિકાર તેમનો હતો.
ઘાઈના દાવા પ્રમાણે ત્યારબાદ વાતાવરણ વધુ ઉગ્ર બન્યું અને સલમાન અપશબ્દો બોલવા લાગ્યો હતો. તેમણે સલમાનને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલાચાલી વધતાં બંને વચ્ચે ઝઘડો થયો અને મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો.
જોકે, આ વિવાદ લાંબો સમય ચાલ્યો નહોતો. સુભાષ ઘાઈના જણાવ્યા મુજબ બીજા દિવસે સવારે સલમાનના પિતા અને જાણીતા સ્ક્રીનરાઈટર સલીમ ખાને તેમને ફોન કર્યો હતો. સલમાને રાત્રે બનેલી સમગ્ર ઘટના પોતાની માતાને જણાવી હતી અને ત્યારબાદ સલીમ ખાને તેને ઠપકો આપ્યો હતો.
ઘાઈએ વધુમાં જણાવ્યું કે સલીમ ખાને સલમાનને તેમના ઘરે જઈને માફી માંગવા કહ્યું હતું. ત્યારબાદ સલમાન ખાન તેમના ઘરે પહોંચ્યો અને નમ્રતાપૂર્વક પોતાની ભૂલ માટે માફી માંગી હતી.
સુભાષ ઘાઈના જણાવ્યા પ્રમાણે સલમાન પોતાના પિતાનું કેટલું સન્માન કરે છે તે જોઈને તેઓ પ્રભાવિત થયા અને તેમણે પણ વિવાદને ત્યાં જ સમાપ્ત કરી દીધો. ત્યારબાદ બંને વચ્ચે સંબંધો સુધર્યા અને એકબીજાના ઘરે આવવા-જવાનું શરૂ થયું. આગળ જતાં બંનેએ સાથે ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો અને સલમાન ખાને સુભાષ ઘાઈની ફિલ્મ ‘યુવરાજ’માં કામ કર્યું.


