વિદેશમાં નોકરી અપાવવાના નામે રૂા.૭૨.૫૦ લાખની છેતરપિંડીના સાત માસથી નાસતા આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૫
વિદેશમાં નોકરી મેળવવાની ઇચ્છા ધરાવતા યુવાનોને વર્ક વિઝા, એજ્યુકેશન વિઝા અને વિઝિટર વિઝા અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના ગંભીર પ્રકરણમાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીને પોરબંદર પેરોલ-ફર્લો સ્ક્વોડે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શહાપુર ખાતેથી ઝડપી પાડી કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ ગુનામાં કુલ રૂ. ૭૨,૫૦,૦૦૫ની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ગુનાના આરોપી શુભ્રા આચાર્ય તથા અન્ય શખ્સોએ ભેગા મળી ગુનાહિત કાવતરું રચ્યું હતું. ફરિયાદી ચિરાગ જયેશભાઈ હિંડોચા (ઉ.વ. ૩૪), વ્યવસાયે શિક્ષક અને રહેવાસી શ્રી એપાર્ટમેન્ટ, સુતારવાડા, પોરબંદર સહિતના લોકોને વિદેશમાં વર્ક વિઝા, એજ્યુકેશન વિઝા અને વિઝિટર વિઝા અંગે માહિતી આપી પોતાની ઓપોચ્ર્યુનિટી ઇન્ટરનેશનલ સંસ્થા સાથે જોડાવાની ઓફર કરી હતી. વિઝાની ફાઇલ તૈયાર કરવાની કામગીરીથી સારી આવક મેળવી શકાશે તેવી લાલચ આપી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પોરબંદરના કુલ ૧૨ ક્લાયન્ટને યુ.કે., ન્યૂઝીલેન્ડ અને જર્મનીમાં વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી અલગ-અલગ માધ્યમોથી નાણાં મેળવવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદી દ્વારા વિવિધ ક્લાયન્ટની ફી પેટે શુભ્રા આચાર્યના બેંક ખાતામાં રૂ. ૪૭,૫૫,૦૦૫ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત આંગડિયા મારફતે રૂ. ૫ લાખ મોકલવામાં આવ્યા હતા. અન્ય સાહેદ તેજલબેન ઓડેદરાના ભાઈ દ્વારા રૂ. ૧૦ લાખ ટ્રાન્સફર કરાયા હતા, જ્યારે રૂ. ૫ લાખ રોકડા યુ.કે.માં શુભ્રા આચાર્યના બિઝનેસ પાર્ટનરને આપવામાં આવ્યા હતા. તેમજ રાજદીપભાઈ ઓડેદરા દ્વારા રૂ. ૪,૯૫,૦૦૦ શુભ્રા આચાર્યના બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા. આમ, તમામ વ્યવહારો મળીને કુલ રૂ. ૭૨,૫૦,૦૦૫ની માતબર રકમ મેળવી લેવામાં આવી હતી. આરોપી શુભ્રા આચાર્ય દ્વારા ક્લાયન્ટના વિઝા લેટર, ઓફર લેટર તથા ઇન્વોઇસ જેવા મહત્વના દસ્તાવેજો બનાવટી રીતે તૈયાર કરી વોટ્સએપ મારફતે મોકલી ફરિયાદી તથા ક્લાયન્ટને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. જોકે, વિદેશમાં નોકરી અપાવવાની ખાતરી આપીને મેળવેલી રકમ આજદિન સુધી પરત ન કરતાં ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૯૨ ૬૦૨૪૦/૨૬ હેઠળ આઈ.પી.સી.ની કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ અને ૧૨૦(બી) મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સાત માસથી નાસતા ફરતા આરોપી સિલ્વેસ્ટર માઈકલ ફર્નાન્ડીસ, રહે. વસઈ, મહારાષ્ટ્રને શોધવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પેરોલ, ફર્લો અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલા કેદીઓ-આરોપીઓ તેમજ અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને પેરોલ-ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ક્વોડના કર્મચારીઓ તપાસમાં સક્રિય હતા. તે દરમિયાન એ.એસ.આઈ. હરેશભાઈ આહિર તથા જીણાભાઈ કટારા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ વજશીભાઈ વરૂને બાતમી મળી હતી કે આ ગુનામાં નાસતો ફરતો આરોપી સિલ્વેસ્ટર માઈકલ ફર્નાન્ડીસ હાલ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શહાપુર ખાતે રોયલ સિટીમાં રહે છે. આ બાતમીના આધારે તપાસ હાથ ધરી પેરોલ-ફર્લો સ્ક્વોડે આરોપીને શોધી કાઢી ઝડપી પાડ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.


