દ્વારકામાં દેવ દિવાળીની રાત્રે આગના ત્રણ બનાવ બનતા દોડધામ

દ્વારકામાં દેવ દિવાળીની રાત્રે આગના ત્રણ બનાવ બનતા દોડધામ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.ર૬
યાત્રાધામ દ્વારકામાં મંગળવારે દેવ દિવાળીના પર્વની રાત્રે અલગ-અલગ સ્થળોએ આગ લાગવાના ત્રણ બનાવ બન્યા હતા. આગના બનાવોની જાણ થતાં દ્વારકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. પ્રથમ આગનો બનાવ હોટલ લેમન ટી ખાતે બન્યો હતો. ત્યાર બાદ અંબુજા નગર વિસ્તારમાં અશ્વિનભાઈ ઠાકરના મકાનના ફળિયામાં રાખેલા લાકડાંમાં આગ લાગી હતી. જ્યારે ત્રીજો બનાવ ગોમતી રોડ પર સામવેદ ભવન પાસે ટી.સી.માં આગ લાગવાનો બન્યો હતો. ત્રણેય સ્થળોએ આગની જાણ થતાં દ્વારકા ફાયર વિભાગના કર્મચારીઓએ સમયસર પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવવા સરાહનીય કામગીરી બજાવી હતી. દેવ દિવાળીની રાત્રે ત્રણ અલગ-અલગ સ્થળોએ આગના બનાવો બનતા ફાયર વિભાગની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે આગને કાબૂમાં લેવામાં આવી હતી.