જૂનાગઢ મનપા તેમજ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બોરદેવી ખાતે સઘન સફાઈ ઝુંબેશ
કુલ રર૦૦ કિલો ગ્રામ કચરો એકત્રીત કરી યોગ્ય નિકાલ કરાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૬
જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ શહેર યુવા મોરચા દ્વારા બોરદેવી ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને મનપાના કર્મચારીઓ તેમજ શહેર યુવા ભાજપ મોરચાના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી એકત્રીત કરેલ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પવિત્ર ગિરનાર લીલી પરિક્રમા પૂર્ણ થતા સ્વચ્છતા જાળવી રાખવાના ભાગરૂપે ગઈકાલ તા. ૨૫-૧૧-૨૬ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ ડી. પોશિયા તથા મ્યુનિસિપલ કમિશ્નર આઈ.આર.વાળાની સૂચના અને ડે.મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઇ અજવાણી, સેનિટેશન સમિતિ ચેરમેન પુંજાભાઈ સિસોદિયાના માર્ગદર્શન હેઠળ બોરદેવી ખાતે વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરિક્રમા બાદ વિસ્તારને પુન: સ્વચ્છ અને સુંદર બનાવવા માટે હાથ ધરાયેલી આ સફાઈ ઝુંબેશમાં મહાનગરપાલિકા, જૂનાગઢની સેનિટેશન શાખાના ૧૦૦ સફાઈ કર્મચારીઓની ટીમ દ્વારા બે ટ્રેક્ટર અને બે કચરા કલેક્શન રિક્ષાની મદદથી સમગ્ર અભિયાન દરમ્યાન બોરદેવી વિસ્તારમાંથી કુલ ૨,૨૦૦ કિલોગ્રામ જેટલો કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. પરિક્રમા રૂટ અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.


