ટ્રમ્પનું નવું ગતકડું : ભારત પર ટેરિફ બોમ્બ ઝીંકવા અમેરીકાની તૈયારી

સસ્તા માલના આરોપ હેઠળ ૧૬ દેશો સામે કાર્યવાહી કરવા ટ્રમ્પ સરકારની રણનીતી

ટ્રમ્પનું નવું ગતકડું : ભારત પર ટેરિફ બોમ્બ ઝીંકવા અમેરીકાની તૈયારી

(એજન્સી)      વોશીંગ્ટન તા.૨૫:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ફરી એકવાર દુનિયાના મોટા વેપારી ભાગીદારો પર ટેરિફ એટલે કે આયાત શુલ્ક વધારવાની તૈયારી કરી રહી છે. આ વખતે ભારત સહિત ૧૬ દેશો અને યુરોપિયન યુનિયન પર અમેરિકાની તપાસ બાદ નવા ટેરિફ લગાવવામાં આવી શકે છે. તેમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશો પણ સામેલ છે. અમેરિકી સરકારનો આરોપ છે કે આ દેશો જરૂરિયાત કરતાં વધુ માલનું ઉત્પાદન કરી રહ્યા છે અને તેના કારણે વૈશ્વિક બજારમાં કિમતો તથા વેપાર પર અસર પડી રહી છે.
સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) આ તપાસનાં પરિણામો મંગળવાર અથવા બુધવારે જાહેર કરી શકે છે. ત્યારબાદ અનેક પ્રકારની વસ્તુઓ પર નવા આયાત શુલ્ક લગાવવાનો પ્રસ્તાવ સામે આવી શકે છે. આ શુલ્ક ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળ દરમિયાન અગાઉથી લગાવવામાં આવેલા ટેરિફ ઉપરાંત પણ લાગુ થઈ શકે છે.
અમેરિકાએ જે દેશોની ઉત્પાદન ક્ષમતાને લઈને તપાસ કરી છે, તેમાં દુનિયાના અનેક મોટા વેપારી ભાગીદારો સામેલ છે. આ દેશોમાં ભારત, ચીન, યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, વિયેતનામ, તાઇવાન, થાઇલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, સિગાપોર, બાંગ્લાદેશ અને કંબોડિયાનો સમાવેશ થાય છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલયે માર્ચમાં આ તપાસ શરૂ કરી હતી. 
અમેરિકી સરકારનું કહેવું છે કે કેટલાક દેશો પોતાની જરૂરિયાત કરતાં વધુ માલનું ઉત્પાદન કરી રહ્યા છે અને તેને અન્ય દેશોનાં બજારોમાં વેચી રહ્યા છે. તેનાથી અમેરિકાની કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. જોકે, નવા ટેરિફનો દર કેટલો હશે અને કઈ વસ્તુઓને તેમાંથી મુક્તિ મળી શકે છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય અને વ્હાઇટ હાઉસે આ અંગે તાત્કાલિક કોઈ જવાબ આપ્યો નથી.
કાર્યાલય મુજબ, આ મામલે અનેક વેપારી ભાગીદાર દેશો પર ૧૦થી ૧૨.૫% સુધીનો વધારાનો ટેરિફ લાદવામાં આવી શકે છે.
ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારને લઈને વાટાઘાટો ચાલી રહી છે. બંને દેશોએ ફેબ્રુઆરીમાં કરારની રૂપરેખા નક્કી કરી હતી, પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે લાદવામાં આવેલા ટેરિફ રદ કર્યા બાદ વાટાઘાટો ફરીથી શરૂ કરવી પડી.
ભારત ઈચ્છે છે કે તેના માલસામાન પર અમેરિકન બજારમાં બાંગ્લાદેશ, વિયેતનામ અને કંબોડિયા જેવા સ્પર્ધાત્મક દેશોની સરખામણીમાં ઓછો ટેરિફ લાદવામાં આવે.