દ્વારકાધીશ મંદિરે દેવદિવાળીની ભવ્ય ઉજવણી : શ્રીજીના બાલસ્વરૂપને સભામંડપમાં પધરાવી ૧૧૦૦૦ દીવડા પ્રગટાવાયા
જગતમંદિર પરિસરના રાણીવાસ અને ૧૬ મંદિરોમાં દીપમાળા સાથે મનમોહક રંગોળી કરાઈ : મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.રપ
સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિર ખાતે કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે દેવી-દેવતાઓની દિવાળી એટલે કે ‘દેવદિવાળી‘ની પરંપરાગત અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન દિવસને ‘દામોદર ઉત્સવ‘ તરીકે પણ ઉજવવામાં આવે છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ દેવદિવાળીના દિવસે દીપદાનનું અનેરૂ મહત્વ હોવાથી ભગવાનના ચરણોમાં દીવડા પ્રગટાવીને અર્પણ કરવામાં આવે છે. આ ઉત્સવ અંતર્ગત જગતમંદિર પરિસરમાં આવેલા રાણીવાસ અને અન્ય ૧૬ મંદિરોમાં પૂજારી આનંદભાઈ પરિવાર દ્વારા ૧૧૦૦૦ જેટલા દીવડા પ્રગટાવીને અલૌકિક દીપમાળા કરવામાં આવી હતી. આ સાથે જ પરિસરમાં અલગ-અલગ પ્રકારની આકર્ષક રંગોળીઓ પણ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, ભગવાન દ્વારકાધીશજીના નિજ સભામંડપમાં પણ શ્રીજીના બાલસ્વરૂપને પધરાવીને દીવડા પ્રગટાવાયા હતા અને સુંદર રંગોળી પૂરવામાં આવી હતી. દેવદિવાળી નિમિત્તે જગતમંદિરમાં સર્જાયેલા આ દિવ્ય અને ભક્તિમય માહોલના દર્શનનો સંખ્યાબંધ ભાવિકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
દ્વારકાધીશ મંદિર દેવ દિવાળીએ ૫૦૦૦ કિલો ફૂલોથી શણગાર કરાયો
દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે જગતમંદિર શ્રી દ્વારકાધીશ મંદિરને વડોદરાના ભક્તો દ્વારા આશરે ૫,૦૦૦ કિલોગ્રામ રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. પુષ્પસજાવટમાં કેસરી અને પીળા ગલગોટા ઉપરાંત ઓકિર્ડ, એન્થુરિયમ, ડેઝી, સેવંતી, ગુલાબ, લીલી અને જીપ્સોફિલા સહિતનાં અનેક ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિવિધ રંગો અને સુગંધ ધરાવતા આ ફૂલોથી મંદિરના ગર્ભગૃહ સહિતના વિવિધ ભાગોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું.


