સાઈ પલ્લવીએ ‘અમરન’ના મલયાલમ વિવાદ પર તોડ્યું મૌન

તૂટીફૂટી મલયાલમ બોલવા બદલ થયેલી ટીકાનો આપ્યો જવાબ, દિગ્દર્શક રાજકુમાર પેરિયાસામીના સૂચનથી પાત્રે આ રીતે સંવાદ બોલ્યા હોવાનું જણાવ્યું

સાઈ પલ્લવીએ ‘અમરન’ના મલયાલમ વિવાદ પર તોડ્યું મૌન

મુંબઈ તા.19
વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અમરન’માં તૂટીફૂટી મલયાલમ ભાષા બોલવા બદલ અભિનેત્રી સાઈ પલ્લવીની ટીકા થઈ હતી. હવે લગભગ બે વર્ષ બાદ અભિનેત્રીએ આ વિવાદ અંગે પોતાની વાત રજૂ કરી છે. પોતાની આગામી ફિલ્મ ‘ઓમ’ના પ્રમોશન માટે કોચી પહોંચેલી સાઈ પલ્લવીએ સ્પષ્ટતા કરી હતી કે ‘અમરન’માં તેના પાત્ર દ્વારા બોલવામાં આવેલી મલયાલમ ભાષા પાછળ દિગ્દર્શક રાજકુમાર પેરિયાસામીનું સૂચન હતું.
સાઈ પલ્લવીએ જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગના પ્રથમ દિવસે જ તેણે મલયાલમ ભાષા શીખ્યા બાદ જ સંબંધિત દૃશ્યોનું શૂટિંગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, દિગ્દર્શક રાજકુમાર પેરિયાસામી ઇચ્છતા હતા કે તેનું પાત્ર તૂટીફૂટી મલયાલમ બોલે. તેમના મતે, અન્ય રાજ્યમાંથી આવેલી યુવતી જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તેની ભાષામાં જોવા મળતી મુશ્કેલી દ્વારા દર્શકો તેની પીડા અને પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકશે.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તેને આશા હતી કે મલયાલી દર્શકો તેના અભિનયને પસંદ કરશે, પરંતુ ભાષાના ઉચ્ચાર અને બોલવાની રીતને કારણે તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સાઈએ સ્પષ્ટ કર્યું કે ફિલ્મ દ્વારા કોઈની લાગણી દુભાવવાનો હેતુ નહોતો. સાથે જ તેણે દર્શકો તરફથી ફિલ્મને મળેલા પ્રેમ અને પ્રતિસાદ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ફિલ્મ ‘અમરન’માં સાઈ પલ્લવીએ મેજર મુકુંદ વરદરાજનની પત્ની ઇન્દુની ભૂમિકા ભજવી હતી, જ્યારે અભિનેતા શિવકાર્તિકેયને મેજરનું પાત્ર નિભાવ્યું હતું. કમલ હાસન દ્વારા નિર્મિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતાં વિશ્વભરમાં અંદાજે રૂ. 333 કરોડની કમાણી કરી હતી.
હવે સાઈ પલ્લવી ફરી એકવાર દિગ્દર્શક રાજકુમાર પેરિયાસામી સાથે આગામી ફિલ્મ ‘ઓમ’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં ધનુષ, મમ્મુટ્ટી અને શ્રીલીલા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 20 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.