‘8 નંબર મારા માટે લકી નથી’, એકતા કપૂરે ‘નાગિન 8’ નહીં બનાવવાનો લીધો નિર્ણય
વીડિયો શેર કરીને એકતાએ કરી સ્પષ્ટતા; ‘નાગિન’ની નવી સિઝન આવશે, પરંતુ નામ ‘નાગિન 8’ નહીં હોય, ‘નાગિન 7.20’ કે ‘નાગિન 9’ રાખવાની શક્યતા
મુંબઈ, તા. 28
ટીવી જગતમાં સુપરનેચરલ શો ‘નાગિન’થી આગવી ઓળખ ઊભી કરનાર નિર્માત્રી એકતા કપૂર ફરી એકવાર ચર્ચામાં આવી છે. એકતા કપૂરની લોકપ્રિય ‘નાગિન’ ફ્રેન્ચાઇઝીની આગામી સિઝનને લઈને ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. જોકે, એકતાએ સ્પષ્ટ કર્યું છે કે તે ‘નાગિન 8’ નામથી શોની નવી સિઝન બનાવવાની નથી. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ અંગેની જાણકારી આપી છે.
એકતાના આ નિર્ણયનો અર્થ એવો નથી કે ‘નાગિન’ની નવી સિઝન નહીં આવે. આગામી સિઝન બનાવવાની યોજના છે, પરંતુ તેનું નામ ‘નાગિન 8’ રાખવામાં નહીં આવે. એકતા કપૂરે વીડિયોમાં જણાવ્યું કે 8 નંબર તેના માટે લકી નથી અને આ જ કારણસર તે આ નામથી શો બનાવવા માંગતી નથી.
વીડિયોમાં એકતા કપૂર પોતાના મિત્ર સાથે શોના નામ અંગે ચર્ચા કરતી પણ જોવા મળે છે. તેણે મિત્રને પૂછ્યું કે જો શોનું નામ ‘નાગિન 8’ નહીં રાખવામાં આવે તો બીજું કયું નામ રાખી શકાય. આ દરમિયાન તેની મિત્રએ ‘નાગિન 7.20’ નામ સૂચવ્યું હતું.
એકતા કપૂરે એવી શક્યતા પણ વ્યક્ત કરી છે કે તે સીધી ‘નાગિન 9’ સિઝન લઈને આવી શકે છે. આથી આગામી સિઝનનું નામ ‘નાગિન 7.20’ રાખવામાં આવશે કે પછી સીધું ‘નાગિન 9’ હશે, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
‘નાગિન’ ફ્રેન્ચાઇઝીએ ટેલિવિઝન પર સુપરનેચરલ ડ્રામાની લોકપ્રિયતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ શોની અગાઉની સિઝનને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને અનેક કલાકારોને લોકપ્રિયતા મળી હતી. હવે એકતા કપૂરના નવા નામ અને આગામી સિઝનને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી છે.


