ફાયરિંગની ઘટના બાદ ટાઇગર શ્રોફ ફરી શૂટિંગમાં પરત ફર્યા
સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીમના સભ્યો પાસે નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ કરાવાયા, જાન્હવી કપૂર સાથે પુણેમાં ચાર દિવસનું ગીતનું શૂટિંગ પૂર્ણ કર્યું
મુંબઈ તા.19
મુંબઈમાં 18 ઑક્ટોબરે અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર અજાણ્યા શખસો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના બાદ હવે તે ફરી કામ પર પરત ફર્યા છે. ટાઇગરે પુણેમાં દિગ્દર્શક રાજ મહેતાની ફિલ્મ ‘લગ જા ગલે’ માટે અભિનેત્રી જાન્હવી કપૂર સાથે ચાર દિવસ સુધી ગીતનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફાયરિંગની ઘટના બાદ સુરક્ષાને લઈને ચિંતાઓ વચ્ચે ટાઇગરનું શૂટિંગ ફરી શરૂ થયું છે.
સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ટાઇગરની ટીમ અને શૂટિંગ સાથે સંકળાયેલા સહયોગીઓને નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ (NDA) આપવામાં આવ્યા છે. આ કરાર હેઠળ તેમને ટાઇગરના લોકેશન અને શૂટિંગના સમયપત્રક સહિતની ખાનગી માહિતી જાહેર નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.
પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં આવેલા એક પબમાં આ ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જાણીતા કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિસે ગીતનું નૃત્ય નિર્દેશન કર્યું હતું. શૂટિંગ દરમિયાન ટાઇગર શ્રોફ બ્લોન્ડ લુકમાં જોવા મળ્યા હતા. તેમણે ડાન્સર્સ અને ફિલ્મના સ્ટાફ સાથે તસવીરો પણ પડાવી હતી. પબના માલિક આર્યન નવલેએ ટાઇગર અને જાન્હવી કપૂર સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
આ ઉપરાંત ટાઇગર શ્રોફ આ અઠવાડિયે એક મ્યુઝિક લેબલ સાથે મળીને પોતાનું નવું ગીત લોન્ચ કરવાના છે. ફાયરિંગની ઘટના બાદ તેમની સુરક્ષાને ખાસ ધ્યાનમાં રાખીને ગીતના પ્રમોશનલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ, સુરક્ષાની ચિંતાઓ વચ્ચે ટાઇગર ફરી શૂટિંગ અને આગામી પ્રોજેક્ટ્સની કામગીરીમાં સક્રિય થયા છે.


