મુંબઈની પાર્ટી લાઈફ પર આંચલ ખુરાનાનો ચોંકાવનારો દાવો, ‘કેટલીક પાર્ટીઓમાં ડ્રગ્સ અને પાર્ટનરની અદલાબદલી થાય છે’
અભિનેત્રીએ કહ્યું- મુંબઈમાં મારું ફોકસ માત્ર કામ પર, નેગેટિવિટીથી દૂર રહેવા પરિવાર સાથે સમય પસાર કરું છું
મુંબઈ, તા. ૨૨:
ટીવી અભિનેત્રી આંચલ ખુરાનાએ મુંબઈની પાર્ટી લાઈફ અને મનોરંજન જગત સાથે જોડાયેલી કેટલીક બાબતો અંગે ચોંકાવનારા દાવા કર્યા છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે મુંબઈ તેના માટે પાર્ટી કરવાની જગ્યા નહીં પરંતુ કામ કરવાની જગ્યા છે. સાથે જ તેણે કેટલીક પાર્ટીઓમાં ડ્રગ્સ, કાસ્ટિંગ કાઉચ અને કપલ્સ વચ્ચે પાર્ટનરની અદલાબદલી જેવી બાબતો થતી હોવાનો દાવો કર્યો છે.
મુંબઈમાં પોતાના જીવન વિશે વાત કરતા આંચલે જણાવ્યું હતું કે છેલ્લા ૧૦થી ૧૫ વર્ષથી જ્યારે પણ તેને પાર્ટી કરવાનો કે આરામ કરવાનો સમય મળે છે ત્યારે તે મિત્રો કરતાં પોતાના ભાઈ અને પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. અભિનેત્રીના જણાવ્યા મુજબ, મુંબઈમાં તેનું મુખ્ય ધ્યાન પોતાના કામ પર રહે છે અને તેને અહીંની પાર્ટી સિસ્ટમ ખાસ પસંદ નથી.
મુંબઈની શોબિઝ પાર્ટીઓ અંગે પોતાના અનુભવ વિશે વાત કરતાં આંચલે દાવો કર્યો કે કેટલીક પાર્ટીઓમાં ડ્રગ્સનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત કાસ્ટિંગ કાઉચ જેવી બાબતો પણ જોવા મળે છે. અભિનેત્રીએ એવો પણ ગંભીર દાવો કર્યો કે કેટલીક પાર્ટીઓમાં પરિણીત કપલ્સ અથવા પાર્ટનર્સ વચ્ચે અદલાબદલી થતી હોવાની વાતો સામે આવે છે.
જોકે, આંચલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આવી પ્રવૃત્તિઓમાં સામેલ થનારા કેટલાક લોકો પોતાની મરજીથી તેમાં જોડાતા હોવાનો તેનો દાવો છે. તેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ ખુશ અને પરફેક્ટ કપલ તરીકે દેખાતા કેટલાક લોકોના સંબંધો અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
અભિનેત્રીએ દાવો કર્યો કે બહારથી એકબીજા સાથે ખૂબ જ ખુશ દેખાતા કેટલાક પરિણીત કપલ્સ પણ પોતાના પાર્ટનરને છેતરતા હોય છે. આવી નેગેટિવિટીથી પોતાને દૂર રાખવા માટે તે મુંબઈમાં વધારે સોશિયલાઈઝ થવાનું ટાળે છે.
આંચલે પોતાની પર્સનલ લાઈફ અંગે પણ વાત કરતા જણાવ્યું કે તે નેગેટિવ લોકો અને તેમની વાતોને ઝડપથી અનુભવી લે છે. જો કોઈ જગ્યાએ તેને નેગેટિવ વાઈબ્સ અનુભવાય તો ઘરે પરત આવ્યા બાદ પાણીમાં મીઠું નાખીને સ્નાન કરવાનું પસંદ કરે છે. તેના મતે આ રીતે તે પોતાનો ઓરા ક્લીન કરવાનો પ્રયાસ કરે છે.
આંચલ ખુરાનાના આ નિવેદનો બાદ મુંબઈની પાર્ટી કલ્ચર અને મનોરંજન જગતની અંદરની દુનિયા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. જોકે, અભિનેત્રીએ કરેલા આ દાવાઓ તેના વ્યક્તિગત અનુભવ અને નિવેદન પર આધારિત છે.


