ચેકબુક ઝડપથી બદલી લેજો : આગામી વર્ષથી આલ્ફા ન્યૂમેરીક કોડ વાળા ચેકથી જ ચુકવણી થશે
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
બેંકિંગ પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે ૧ જાન્યુઆરી ૨૦૨૭થી ચેકબુક પર અલ્ફા ન્યૂમેરિક કોડ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ગ્રાહકોને ચેકબુક બદલાવવા માટે ૩૧ ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઘણી બેંકોએ નવી ચેકબુક જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જ્યારે બાકીની બેંકો પણ ટૂંક સમયમાં આ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. નવા નિયમો હેઠળ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને સૂચિત કર્યા છે કે ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ પછી ૫૦ હજાર અને તેનાથી વધુ રકમના એવા ચેક સ્વીકારવામાં આવશે નહીં, જેના પર અલ્ફા-ન્યૂમેરિક કોડ નહીં હોય. બેંકે ગ્રાહકોને નવી ચેકબુક માટે ટૂંક સમયમાં અરજી કરવાની સલાહ આપી છે, જેથી ચૂકવણી વખતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે.
આવી જ રીતે જાહેર અને ખાનગી ક્ષેત્રની અન્ય બેંકોએ પણ અલ્ફા ન્યૂમેરિક કોડ વાળી ચેકબુક જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બેંક ગ્રાહકોને ઈ-મેલ અને એસએમએસ દ્વારા નવી ચેકબુક મેળવવાની સૂચના આપી રહ્યાં છે.


