કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ ૨૦૦૨ અને હાલ ૨૦૨૫ ની મતદાર યાદીની સરખામણી થશે
સરકારી આદેશો અનુસાર, આ અભિયાન માટે બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૧૮
રાજ્ય સરકાર દ્વારા આગામી ખાસ સઘન સુધારણા (SIR) ૨૦૨૬ ના ભાગરૂપે મતદાર યાદીને અપડેટ કરવા માટે એક મહત્વપૂર્ણ અને સંભવિત વિવાદાસ્પદ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત વર્ષ ૨૦૦૨ અને ૨૦૨૫ની મતદાર યાદીઓની ઝીણવટભરી સરખામણી કરવામાં આવશે, જેની સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવા માટેની અંતિમ તારીખ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે.
સરકારી આદેશો અનુસાર, આ અભિયાન માટે બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ કામગીરી માટે ૨૦૦૨ ની છાપેલી મતદાર યાદી, ૨૦૨૫ ની અંતિમ મતદાર યાદી, તેમજ એપ્રિલ અને જુલાઈ ૨૦૨૫ ની પૂરક યાદીઓનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૨૦૦૨ ની યાદીને યુનિકોડમાં રૂપાંતરિત કરી તેનો પણ સહારો લેવાશે.
આ અંગે સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબ ગામના BLO એ ૨૦૦૨ની મતદાર યાદી સાથે બેઠક કરવી, ૨૦૦૨ અને ૨૦૨૫ની મતદાર યાદીના સામાન્ય વિભાગોને ઓળખવા. BLO નું મુખ્ય કાર્ય ૨૦૦૨ની યાદીમાં સામેલ મતદારોને ૨૦૨૫ની વર્તમાન યાદીમાં શોધવાનું રહેશે. આ માટે ૨૦૨૫ની મુખ્ય યાદી, તેની પૂરક યાદીઓ અને BLO એપમાં તાજેતરમાં ઉમેરાયેલા નામોની પણ ચકાસણી થશે.
૨૦૦૨ની મતદાર યાદીમાં હાલના મતદારોને શોધવા (જેમાં ૨૦૨૫ની મતદાર યાદી, તેની પૂરક યાદીઓ અને જુલાઈ ૨૦૨૫થી અત્યાર સુધી BLO એપમાં ઉમેરાયેલા હાલના મતદારોનો સમાવેશ થાય છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે રાજ્યના સરકારી પ્રાથમિક શિક્ષકોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને લેખિતમાં પરિપત્ર દ્વારા આદેશો જારી કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યની મતદાર યાદીમાં લાખોની સંખ્યામાં બોગસ મતદારો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે આ પ્રકારની કવાયત પાછળ સરકારનો ઈરાદો રાજકીય લાભ મેળવવાનો હોઈ શકે છે અને ચોક્કસ મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થઈ શકે છે.
પાર્ટીએ આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવાની માંગ કરી છે.


