જૂનાગઢ મનપાના લાઈટ શાખાના કર્મચારીની બદલી માટે ડે.મેયરએ કમિશ્નરને પત્ર લખ્યો
મનપાની કથળતી વહીવટી વ્યવસ્થા અને અધિકારીઓની નિષ્ક્રીયતાની પોલ ખુલી
જૂનાગઢ તા.રર
જૂનાગઢ મહાનગર પાલીકાના એક કર્મચારીની બદલી કરાવવા માટે મનપાના ડે.મેયર આકાશ કટારાએ કમિશ્નરને પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે. એક સામાન્ય કર્મચારીની બદલી કરાવવા માટે ડે.મેયરને પત્ર લખવો પડે તે બાબતને લઈને મનપાના તંત્રની કથળેલી વ્યવસ્થા અંગે ભારે ચર્ચા ઉઠવા પામી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સામાન્ય રીતે જે કામ શાખા અધીકારી કે વહીવટી સ્તરે થઈ શકતું હોય તેના માટે મનપાના પદાધીકારીઓ સીધા કમિશ્નરને પત્ર લખવો પડે તે થોડામાં ઘણું કહી જાય છે અને આ સાથે જ મનપાની વહીવટી વ્યવસ્થા અને અધિકારીઓની નિષ્ક્રીયતા ખુલી પડી છે. સ્ટ્રીટ લાઈટ શાખાના કર્મચારી તુલસી જુમાણી સામે ફરીયાદો હોવાનું જણાવી સોનાપુર ખાતે તેમને ખસેડવા માટે ડે.મેયર આકાશ કટારાએ કાર્યવાહી કરી છે અને કમિશ્નરને પત્ર પાઠવ્યો છે. વધુમાં એવું જાણવા મળે છે કે, આ કર્મચારીને ફોન કરીએ ત્યારે તેનો ફોન ઉપડતો નથી અને નોટ રીચેબલ હોય, કોઈ રીપ્લાય મળતો નથી અને તેના કોઈ ઠેકાણા હોતા નથી. લોકોની ફરીયાદો હોય જેથી આ કર્મચારીની બદલી કરવા માટે લેટર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.


