જૂનાગઢમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ, રાસથી અર્વાચીન ગરબા સુધી ખેલૈયાઓએ બતાવ્યું કૌશલ્ય

જૂનાગઢ શહેર અને ગ્રામ્યના ખેલૈયાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર લીધો ભાગ; પ્રથમ વિજેતા ટીમો રાજ્યકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં જૂનાગઢનું કરશે પ્રતિનિધિત્વ

જૂનાગઢમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ, રાસથી અર્વાચીન ગરબા સુધી ખેલૈયાઓએ બતાવ્યું કૌશલ્ય

જૂનાગઢ, તા.૦૬
જૂનાગઢ ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ની જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેલૈયાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની કલા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત આ સ્પર્ધાનું સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ ગ્રામ્ય અને જૂનાગઢ શહેર દ્વારા કરવામાં આવ્યું હતું.
નવરાત્રીની પરંપરાગત સંસ્કૃતિ અને લોકકલાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિવિધ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ અલગ-અલગ કૃતિઓમાં ખેલૈયાઓએ પોતાની તૈયારીઓ અને કૌશલ્ય રજૂ કર્યું હતું.
જૂનાગઢ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલી ટીમોની ભાગીદારીને કારણે સમગ્ર સ્પર્ધામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખેલૈયાઓએ પરંપરાગત રાસ-ગરબાની સાથે વિવિધ કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, પુંજાભાઈ સિસોદિયા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી રણવીર પરમાર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આયુર્વેદ કોલેજ જૂનાગઢના ડો. ચેતના કોડીનારિયા, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય નિલેશભાઈ સોનારા અને જૂનાગઢ શહેર વ્યાયામ મંડળના પ્રમુખ જીગ્નેશભાઈ ચાવડા સહિતના મહાનુભાવો પણ કાર્યક્રમમાં હાજર રહી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા કક્ષાની આ સ્પર્ધા ખેલૈયાઓ માટે રાજ્યકક્ષા સુધી પહોંચવાનું મહત્વનું માધ્યમ પણ બની છે. વિવિધ કૃતિઓમાં પ્રથમ સ્થાન મેળવનારી વિજેતા ટીમોને હવે રાજ્યકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.
રાજ્યકક્ષાની સ્પર્ધામાં આ વિજેતા ટીમો જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને અન્ય જિલ્લાઓની વિજેતા ટીમો સામે પોતાની રાસ-ગરબાની કલા રજૂ કરશે. આ રીતે સ્થાનિક સ્તરે રહેલી પ્રતિભાને જિલ્લા અને ત્યારબાદ રાજ્યકક્ષા સુધી પહોંચવા માટે મંચ ઉપલબ્ધ થઈ રહ્યો છે.
જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાની યાદીમાં જણાવ્યા મુજબ જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા બનેલી ટીમો આગામી રાજ્યકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરશે.