રશિયાની લેબમાંથી અજ્ઞાત વાયરસ લીક થતાં મહિલા સંશોધકનું મોત : કોરોના પછી નવો ખતરો સર્જાવાની ભીતી

રશિયાની લેબમાંથી અજ્ઞાત વાયરસ લીક થતાં મહિલા સંશોધકનું મોત : કોરોના પછી નવો ખતરો સર્જાવાની ભીતી
AI Image

(એજન્સી)      મોસ્કો તા.૫
વિશ્વ હજુ સુધી ૨૦૨૧ની કોરોના મહામારીની તબાહીમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યું નથી, ત્યાં રશિયાના સાઇબિરીયા વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
રશિયાના ઈરકુત્સ્ક નજીક આવેલા શેલેખોવ સ્થિત એક પ્રતિષ્ઠિત ‘એન્ટી-પ્લેગ રિસર્ચ ફેસિલિટી‘ માં થયેલી દુર્ઘટના બાદ વાયરસને કારણે ૨૮ વર્ષીય મહિલા સંશોધકનું કરૂણ મોત નીપજ્યું છે.
આ ઘટના બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે અને અજ્ઞાત બીમારીના ફેલાવાની આશંકાએ વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી TASS અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગંભીર ઘટના શેલેખોવના ‘એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ‘માં બની હતી.
લેબમાં કામ કરતી ૨૮ વર્ષીય મહિલા કર્મચારીને અચાનક અજ્ઞાત લક્ષણો ધરાવતો ન્યુમોનિયા થયો હતો. તબીબોના જણાવ્યા મુજબ, આ ન્યુમોનિયાના પ્રકાર અને તેના ચેપના ચોક્કસ સ્ત્રોતની ઓળખ થઈ શકી નહોતી. સારવાર દરમિયાન જ મહિલા સંશોધકનું મોત નીપજતાં રશિયાની રોગચાળા નિયંત્રણ એજન્સીએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.