કૃષિ મહા વિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત નોલેજ સોસાયટી વચ્ચે સ્ટાર્ટઅપ્સ માટે કરાર થયા
જૂનાગઢ, તા.૫
રાજ્યમાં વિદ્યાર્થી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે, ગુજરાત નોલેજ સોસાયટી (GKS) ના SSIP સેલ દ્વારા "સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦" (SSIP 2.0) નો અમલ કરાવવા માટે એમ.ઓ.યુ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.તે પ્રસંગે કોલેજની ટીમને સંસ્થાના કુલપતિ શ્રી ડૉ.વી.પી.ચોવટીયા, સંશોધન નિયામક ડો.એ.જી.પાનસુરીયા, રજીસ્ટ્રાર ડો.વાય.એચ. ઘેલાણીએ જણાવ્યું હતું કે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોલેજે ૬૫૦ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે. જેથી તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, બૌદ્ધિક સંપદા અધિકારી (IPR) અને સંશોધન પ્રસ્તાવોને ‘પ્રૂફ ઓફ કન્સેપ્ટ‘ (PoCs) માં રૂપાંતરિત કરવાની પદ્ધતિઓ વિશે માહિતગાર અને જાગૃત કરી શકાય. તેમજ એસ.એસ.આઈ.પી. ૨.૦ (SSIP 2.0) અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન મહા વિદ્યાલય દ્વારા ઓછામાં ઓછા બે સ્ટાર્ટઅપ શરૂ કરવાનો પણ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ યુનિટ ડૉ.પી.ડી.કુમાવત, પ્રિન્સિપાલ અને ડીનના અધ્યક્ષસ્થાને કાર્યરત રહેશે. જ્યારે મહા વિદ્યાલયના એસોસિયેટ પ્રોફેસર શ્રી ડૉ.હિરેન ઢોલરીયા અને ડૉ.બી.સ્વામીનાથન યુનિટની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સંબંધિત પ્રવૃત્તિઓનું કોર્ડીનેટર તરીકે કામગીરી કરશે. તેમ ડો.એન.બી.યાદવ, ડિરેક્ટર ઓફ એક્સ્ટેંશન એજ્યુકેશન, જૂનાગઢ કૃષિ મહાવિદ્યાલયની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


