સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં સોનું રૂ. 5,000 અને ચાંદી રૂ. 9,058 સસ્તી
બજાર ખુલતાની સાથે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઘટાડો, ડૉલરની મજબૂતી અને અમેરિકામાં વ્યાજદર વધવાની આશંકાથી રોકાણકારોમાં ચિંતા
નવી દિલ્હી, તા. 20
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ વૈશ્વિક બજારની સાથે ભારતીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં રૂ. 5,000 સુધીનો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 9,058નો કડાકો બોલાયો હતો. ભાવમાં થયેલા આ ઘટાડાથી સોનું-ચાંદી ખરીદવાનું આયોજન કરતા ગ્રાહકોને રાહત મળી શકે છે, જ્યારે રોકાણકારોમાં બજારની આગામી ચાલને લઈને ચિંતા જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ (COMEX) પર પણ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સોનાનો ભાવ 4.35 ટકા ઘટીને પ્રતિ ઔંસ 3,525 ડૉલર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, ચાંદીના ભાવમાં 7.11 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે પ્રતિ ઔંસ 41.250 ડૉલરના સ્તરે પહોંચી હતી. સતત ઘટાડાને પગલે સોનાનો ભાવ એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
ભારતીય વાયદા બજાર MCX પર ડિસેમ્બર ડિલિવરીવાળા સોનાના ભાવમાં રૂ. 5,000નો ઘટાડો થતાં તે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,22,430 પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જ્યારે ચાંદીના ભાવમાં રૂ. 9,058નો ઘટાડો નોંધાતા પ્રતિ કિલોગ્રામ કિંમત રૂ. 1,48,424 થઈ હતી. ઘરેલુ બજારમાં સોનું આશરે રૂ. 1.22 લાખ અને ચાંદી રૂ. 1.48 લાખના સ્તરે કારોબાર કરતી જોવા મળી હતી.
વિવિધ શુદ્ધતાના સોનાના ભાવ પર નજર કરીએ તો 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ આશરે રૂ. 1,23,120, 22 કેરેટ સોનું રૂ. 1,12,653 અને 18 કેરેટ સોનું રૂ. 92,340ની આસપાસ ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જ્યારે બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ આશરે રૂ. 1,48,730 નોંધાયો હતો. જોકે, અલગ-અલગ બજારો અને વેપારીઓના દરમાં થોડો તફાવત હોઈ શકે છે.
સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકી ડૉલરની મજબૂતી અને ત્યાં વ્યાજદરોમાં વધુ વધારો થવાની શક્યતા માનવામાં આવે છે. અમેરિકામાં મોંઘવારીનો દર અપેક્ષા મુજબ નીચે ન આવતાં ફેડરલ રિઝર્વ દ્વારા ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરો વધારવામાં આવી શકે તેવી અટકળો તેજ બની છે. ફેડરલ રિઝર્વની છેલ્લી બેઠકની જાહેર થયેલી મિનિટ્સમાં પણ મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજદરોમાં વધુ વધારો કરવાની જરૂરિયાત અંગે અધિકારીઓના અભિપ્રાય સામે આવ્યા હોવાનું જણાવાયું છે.
અમેરિકી ડૉલર આ સપ્તાહે એપ્રિલ 2025 પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો હતો. ડૉલર મજબૂત બનતાં અન્ય દેશોના ખરીદદારો માટે ડૉલરમાં કિંમત નક્કી થતી સોનાની ખરીદી વધુ ખર્ચાળ બને છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માગ પર અસર થઈ શકે છે અને ભાવમાં ઘટાડાનું દબાણ ઊભું થાય છે.
બજારના નિષ્ણાતોના અંદાજ મુજબ, ડિસેમ્બરમાં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો થવાની સંભાવના 94 ટકા અને 0.50 ટકાના વધારાની સંભાવના 6 ટકા માનવામાં આવી રહી છે. વ્યાજદરમાં વધારો થાય તો સોનામાં રોકાણનું આકર્ષણ ઘટી શકે છે, કારણ કે સોનામાં રોકાણ કરવાથી સીધું વ્યાજ મળતું નથી. તેની સામે બેંક ડિપોઝિટ સહિતના અન્ય વિકલ્પોમાં રોકાણકારોને વ્યાજ અથવા વળતર મળવાની શક્યતા રહે છે.
આ ઉપરાંત શેરબજારમાં જોવા મળતા ઘટાડાની અસર પણ કિંમતી ધાતુઓ પર પડી રહી હોવાનું માનવામાં આવે છે. કેટલાક રોકાણકારો શેરબજારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સોનું અને ચાંદી વેચી રહ્યા હોવાની શક્યતા છે. આમ, ડૉલરની મજબૂતી, અમેરિકી વ્યાજદર અંગેની અનિશ્ચિતતા અને રોકાણકારોની વેચવાલી વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે.


