ગિરનારના અંબાજી મંદિરની ભવ્યતા વધારવા આયોજન, કલેક્ટર યોગેશ ચૌધરીએ પરિસરનું કર્યું નિરીક્ષણ
ભાવિકો માટે પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ કરવા અને સ્વચ્છતાનું સ્તર ઊંચું લાવવા નિર્દેશ; ગિરનારનું નૈસર્ગિક સૌંદર્ય માણી શકાય તે માટે વ્યૂ પોઈન્ટ વિકસાવવા પણ કરાશે આયોજન
જૂનાગઢ તા.૨
જૂનાગઢના ગરવા ગિરનાર પર બિરાજમાન મા અંબાના મંદિરની ભવ્યતા અને દિવ્યતા વધારવાની સાથે અહીં આવતા ભાવિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ અંબાજી મંદિર પરિસરનું નિરીક્ષણ કરી ભાવિકો માટેની પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ કરવા તેમજ મંદિર પરિસરની સ્વચ્છતા અને સુવિધાઓમાં વધારો કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટરે અંબાજી મંદિર ઉપરાંત તેની આસપાસના વિસ્તારો અને હેલિપેડ ગ્રાઉન્ડ સહિતના સ્થળોની મુલાકાત લઈને હાલની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને નવરાત્રી પર્વ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો મા અંબાના દર્શન માટે પહોંચતા હોવાથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે અને જરૂરી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે આગોતરા આયોજન અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગિરનાર અને અંબાજી મંદિર પરિસરમાં સ્વચ્છતાનું સ્તર વધુ ઊંચું લઈ જવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સ્વચ્છતા માત્ર તંત્રની જવાબદારી ન રહે અને તેમાં યાત્રાળુઓ તથા સ્થાનિક લોકોની ભાગીદારી પણ વધે તે માટે જનભાગીદારીનો અભિગમ અપનાવવા સૂચના આપવામાં આવી હતી. યાત્રાળુઓ સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત બને અને ગિરનારના પવિત્ર તેમજ કુદરતી પર્યાવરણને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે તે માટે જનજાગૃતિના પ્રયાસો હાથ ધરવાની પણ તૈયારી કરવામાં આવશે.
અંબાજી મંદિર ખાતે આવતા ભાવિકો મા અંબાના દર્શન સરળતાથી અને સુવિધાપૂર્ણ રીતે કરી શકે તે માટે હાલની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર વિચારણા કરવામાં આવી હતી. આ સાથે ગિરનારની યાત્રા માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક અનુભવ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ ભાવિકો અહીંના નૈસર્ગિક સૌંદર્યને પણ સારી રીતે માણી શકે તે માટે વિશેષ આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.
આ દિશામાં અંબાજી મંદિર આસપાસ યોગ્ય સ્થળે વ્યૂ પોઈન્ટ વિકસાવવાની સંભાવના પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. વ્યૂ પોઈન્ટ વિકસાવવામાં આવે તો યાત્રાળુઓ ગિરનારની પર્વતમાળા અને આસપાસના કુદરતી સૌંદર્યને નિહાળી શકે તેવો અભિગમ રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે આ માટે જરૂરી આયોજન તૈયાર કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
મંદિરની ભવ્યતા અને દિવ્યતામાં વધારો કરવા માટે રંગરોગાન સહિતના જરૂરી કામો હાથ ધરવા અંગે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. મંદિરની ધાર્મિક ગરિમા જળવાઈ રહે તેની સાથે પરિસર વધુ સુવ્યવસ્થિત અને ભાવિકો માટે અનુકૂળ બને તે દિશામાં કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ભાવિકો ભાવપૂર્વક મા અંબાના દર્શન કરી શકે અને તેમની યાત્રા દરમિયાન જરૂરી પ્રાથમિક સુવિધાઓ વધુ મજબૂત બને તે માટે ટૂંકા અને લાંબા ગાળાના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઇજનેરો સહિત સંબંધિત અધિકારીઓ સાથે આ મુદ્દે વિચારવિમર્શ કરીને આગામી કામગીરીની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
નવલાં નોરતાં પહેલાં થયેલા આ નિરીક્ષણ દરમિયાન ખાસ કરીને ભાવિકોની સુવિધા, સ્વચ્છતા, મંદિર પરિસરની ભવ્યતા, જનભાગીદારી અને ગિરનારના નૈસર્ગિક સૌંદર્યને વધુ સારી રીતે માણી શકાય તેવી વ્યવસ્થા સહિતના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી સાથે નિવાસી અધિક કલેક્ટર બી. એસ. બારડ, આસિસ્ટન્ટ કલેક્ટર વૃષાલી કાંબલે, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, ભવનાથ મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા સહિતના અધિકારીઓ અંબાજી મંદિર પરિસરના નિરીક્ષણ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.


