બાલિકા પંચાયત તાલીમથી ગામડાંમાં શરૂ થશે નેતૃત્વની નવી ક્રાંતિ રાજકોટથી ઉઠયો દીકરી સશક્તિકરણનો સશક્ત શંખનાદ
સમાજમાં દીકરીઓ પ્રત્યેના દૃષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો રાષ્ટ્રીય સંકલ્પ છે : પ્રવિણાબેન રંગાણી, પ્રમુખ, જિલ્લા પંચાયત, રાજકોટ
રાજકોટ તા.૩
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના “બેટી બચાવો, બેટી પઢાવો” અંતર્ગત બાલિકા સશક્તિકરણને વધુ ગતિ આપવા માટે જિલ્લા કક્ષાએ “બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ” અંગે ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. તાલીમનો મુખ્ય હેતુ બાલિકા પંચાયત મોડ્યુલની સંકલ્પના, તેની કામગીરી અને ગ્રામ્ય સ્તરે તેની અસરકારક અમલવારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે “બેટી બચાવો, બેટી પઢાવો” માત્ર એક યોજના નથી, પરંતુ સમાજમાં દીકરીઓ પ્રત્યેના દ્રષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો રાષ્ટ્રીય સંકલ્પ છે. દીકરીઓના શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા સાથે તેમની નેતૃત્વ ક્ષમતા વિકસાવવી આજના સમયની આવશ્યકતા છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ તાલીમથી જિલ્લા સ્તરે તાલીમપ્રાપ્ત કર્મચારીઓ દ્વારા તાલુકા અને ગ્રામ્ય સ્તરે બાલિકા પંચાયતોની રચના અને મજબૂતી માટે વધુ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવશે. દીકરીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ર્નિણયક્ષમતા વિકસાવવા માટે બાલિકા પંચાયત એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. તાલીમ દરમ્યાન બાલિકા પંચાયત મોડ્યુલના કુલ ૧૫ સત્રોની સમજૂતી આપવામાં આવી હતી. આ સત્રોમાં દીકરીઓના હક્કો અને કાનૂની જાગૃતિ, લિંગ સમાનતા, સ્વાસ્થ્ય અને પોષણ, શિક્ષણનું મહત્વ, બાળલગ્ન પ્રતિબંધ, સાયબર સુરક્ષા, જીવન કૌશલ્ય વિકાસ અને નેતૃત્વ ક્ષમતાના વિકાસ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. તાલીમ પદ્ધતિમાં રમત-ગમત, જૂથ ચર્ચા, પ્રસ્તુતિ, રોલ-પ્લે અને પ્રયોગાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી તાલીમ વધુ રસપ્રદ અને અસરકારક બની રહે. તાલીમ દરમિયાન વિષય નિષ્ણાતો દ્વારા પ્રયોગાત્મક ઉદાહરણો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સહભાગીઓએ પણ પોતાના ક્ષેત્રના અનુભવો રજૂ કર્યા હતા, જેના આધારે ચર્ચા અને વિચાર-વિમર્શ દ્વારા બાલિકા પંચાયતને ગ્રામ્ય સ્તરે વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ ત્રિદિવસીય તાલીમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતના વિભાગોમાંથી કુલ ૮૫ થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


