રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને નીચે જતાં ઠંડીનો અહેસાસ : સાપુતારા ઠંડુંગાર
ગિરિમથક સાપુતારામાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીએ જતાં પ્રવાસીઓ ઠૂંઠવાયા, તાપણીઓ થઈ શરૂ
અમદાવાદ,તા.૧૩
ગુજરાતમાં સામાન્ય રીતે દિવાળી બાદ ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ, આ વર્ષે દિવાળી સમયે પણ માવઠાની અસર જાેવા મળી હતી. જાે કે,હવે છેલ્લા અઠવાડીયાથી સવાર- સાંજ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજયમાં સાપુતારા ઠંડુગાર બન્યું છે તો તે પછી ૧૪ ડિગ્રી તાપમાન સાથે નલિયા અને ગાંધીનગર શહેર સૌથી ઠંડા રહ્યા. તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડીને ૨૦ ડિગ્રી નીચે જતો રહ્યો છે. આગામી દિવસોમાં હજી પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ ૨૧થી ૨૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે. અમદાવાદમાં મહત્તમ ૨૫ ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસ રહેશે, ગાંધીનગર અને મહેસાણામાં પણ ન્યૂનતમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું હતું. રાજ્યમાં સૌથી ઠંડું શહેર સાપુતારા રહ્યું તો હવે રાજકોટ પણ ઠંડુ રહે તેવી સંભાવના છે. બીજી તરફ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં ઠંડી બરોબરની જામી છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં પારો એકાએક નીચે સરકીને ૧૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે સમગ્ર સાપુતારામાં તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. અચાનક વધેલી ઠંડીના કારણે પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક લોકો પણ ઠુંઠવાઈ ગયા હતા. રાત્રિના સમયે ઠંડીનો પ્રકોપ વધતાં લોકો ઘરોમાં તાપણીનો સહારો લેતા જાેવા મળ્યા હતા. હોટલોમાં રોકાયેલા અનેક પ્રવાસીઓએ વહેલી સવારે બહાર નીકળવાનું ટાળ્યું હતું. ઠંડા પવન સાથે ધુમ્મસ છવાઈ જતાં દૃશ્યતા ખૂબ જ ધૂંધળી બની ગઈ હતી. સાપુતારા જેવી ઊંચાઈએ આવેલી પર્યટન નગરીમાં સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે ઠંડીનો માહોલ અનુભવાય છે. જાેકે, આ વર્ષે નવેમ્બરની શરૂઆતમાં જ પારો ૧૦ ડિગ્રી સુધી પહોંચી જવાથી પર્યટકોમાં ઉત્સાહ જાેવા મળ્યો છે.
ઘણા પ્રવાસીઓએ ઠંડીના આ આનંદને કેમેરામાં કેદ કર્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા છે. ઉત્તર ભારત તરફથી આવતી ઠંડી હવાની લહેરો સાપુતારા સહિત ડાંગ જિલ્લાના અન્ય પર્વતીય વિસ્તારોમાં પણ અસરકારક બની શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના દ્વારા આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે, જેમાં પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની થતાં ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતાં તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. મોટા ભાગના જિલ્લાઓમાં ૨-૩ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય એવી શક્યતા દર્શાવાઈ છે. હિમાલય ક્ષેત્રમાં બરફવર્ષા શરૂ થઈ છે. આ બરફ વર્ષાને કારણે ઉત્તરપૂર્વના બર્ફીલા પવનો મેદાની વિસ્તારો થકી ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૩ નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી છે. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં આગામી ૩ દિવસ સુધી ૨થી ૩ ડિગ્રીનો ક્રમશ: ઘટાડો થવાની શક્યતા છે, જેમાં પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની થતાં ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતાં તાપમાન ઘટવાની આગાહી કરાઈ છે. વાતાવરણમાં ભેજ અને વાદળોનું પ્રમાણ ઘટ્યું છે. અમદાવાદમાં ઠંડીનો પારો ૧૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. હજુ આગામી ચાર દિવસમાં પારો વધુ ૨થી ૩ ડિગ્રી ગગડવાની શક્યતા હોવાથી ઠંડીનું જાેર વધવાની વકી હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે.


