શિક્ષણ જગત માટે લાંછનરૂપ કિસ્સો જૂનાગઢની ડેલ્ટા એકેડેમીનાં સંચાલકોની ‘હીટલરશાહી’અસાઈનમેન્ટ અધુરૂ રહેતા વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠક કરાવતા તબીયત લથડી

શિક્ષણ જગત માટે લાંછનરૂપ કિસ્સો જૂનાગઢની ડેલ્ટા એકેડેમીનાં સંચાલકોની ‘હીટલરશાહી’અસાઈનમેન્ટ અધુરૂ રહેતા વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠક કરાવતા તબીયત લથડી

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧
જૂનાગઢ શહેરની જાણીતી ડેલટા કરિયર એકેડેમીમાં શિક્ષણ અને માનવતાને શરમાવી નાખતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને અસાઇનમેન્ટ સમયસર પૂરૂં ન કરવા બદલ સંચાલકો દ્વારા અમાનવીય અને ઘાતકી સજા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ક્લાસના સંચાલક સંગીતા જાદવ અને અન્ય શિક્ષક હાદિર્ક કુવાડિયા દ્વારા વિદ્યાર્થીને બે-ત્રણ પ્રશ્નો બાકી રહી જવાના સામાન્ય કારણસર આશરે ૩૦૦ જેટલી લાંબી અને પીડાદાયક ઉઠક બેઠકો કરાવવામાં આવી હતી.
આ ઉપરાંત ડરાવવા માટે સંચાલકાએ હાથમાં પાછળ વાયર પણ રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ ભારે શારીરિક ત્રાસના કારણે વિદ્યાર્થીની તબિયત અચાનક જ ખૂબ જ લથડી ગઈ હતી. તેને ચાલવામાં અને બેસવામાં પણ ભારે તકલીફ પડવા લાગી હતી તથા પેટમાં સતત વોમેટિંગ જેવી ફરિયાદો થવા પામી હતી. પરિસ્થિતિ ગંભીર જણાતા પરિવારજનો દ્વારા તેને જૂનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ્સ અને સીટી સ્કેન કરાવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે અતિશય ઉઠક બેઠકો કરવાના કારણે વિદ્યાર્થીના શરીરની ક્ષમતા પર વિપરીત અસર પડી છે અને તેની કિડની તથા લિવર પર અંદાજે ૮૦ ટકા જેટલો ગંભીર સોજો આવી ગયો છે અને તે ડેમેજ થયા છે. તબિયત અત્યંત નાજુક બનતા તેને શરૂઆતના બે દિવસ સુધી આઈસીયુ ઇમરજન્સી વોર્ડમાં રાખીને સઘન સારવાર આપવામાં આવી હતી, અને હાલ તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.
બનાવની જાણ થતાં જ પીડિત વિદ્યાર્થીના પરિવારજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવાર દ્વારા તાત્કાલિક સંચાલકોનો સંપર્ક કરીને મેડિકલ રિપોર્ટ્સ બતાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. સ્થિતિની ગંભીરતા જોઈને સંચાલકોએ હોસ્પિટલમાં આવીને પોતે કરેલી આ ગંભીર ભૂલનો સ્વીકાર કર્યો હતો અને આ અમારી મોટી ભૂલ છે તેમ કહીને સમજાવટના પ્રયાસો કર્યા હતા. જો કે, આ પ્રકારની ક્રૂર સજાના કારણે એક હોશિયાર વિદ્યાર્થીનો જીવ જોખમમાં મુકાઈ જતા પરિવારજનો અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ધોરણે એમએલસી નોંધ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી અને વિદ્યાર્થીના પિતાની ફરીયાદીના આધારે સી ડીવીઝન પોલીસે કેરીયર એકેડેમીના ટીચર સંગીતાબેન જાદવ અને હાર્દિક કુવાડીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શૈક્ષણિક સંકુલોમાં આ પ્રકારે વિદ્યાર્થીઓ પર શારીરિક અત્યાચાર ગુજારવાની ઘટનાઓ સામે આવતા વાલી વર્ગમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. 
પીડિત વિદ્યાર્થીના પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ પણ વિદ્યાર્થી સાથે આવી અમાનવીય ઘટના ન ઘટે અને શિક્ષણના નામે ચાલતી આવી ક્રૂરતા ડામી દેવા માટે કાયદાકીય રીતે આ નરાધમ સંચાલકો સામે અત્યંત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સગીર વિદ્યાર્થી હોવાના કારણે તેની ઓળખ ગુપ્ત રાખીને ન્યાયની માંગ સાથે હાલ સમગ્ર પંથકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.