વેરાવળ રેલવે સ્ટેશન પર RPFની કાર્યવાહીથી મુસાફરનો ચોરાયેલ બેગ મળી : આરોપી ઝડપાયો

વેરાવળ રેલવે સ્ટેશન પર RPFની કાર્યવાહીથી મુસાફરનો ચોરાયેલ બેગ મળી : આરોપી ઝડપાયો

ગીર સોમનાથ તા. ર૪
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના વેરાવળ રેલવે સ્ટેશન પર RPFની ઝડપી કાર્યવાહીથી એક મુસાફરનો ચોરાયેલો બેગ, મોબાઇલ ફોન અને ચાર્જર પાછા મળ્યા. CCTV ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરીને તેને પકડી પાડવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી માટે તેને GRP/વેરાવળને સોંપવામાં આવ્યો. આ ઘટના ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બની હતી. વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)ના ૭૬ વર્ષીય મુસાફર માનસિંહ વેરાવળ સ્ટેશનના વેઇટિંગ રૂમમાં આરામ કરી રહ્યા હતા. તે સમયે તેમનો કાળા રંગનો બેગ ચોરાઈ ગયો. આ બેગમાં Vivo એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને ચાર્જર સહિત લગભગ ૧૨,૫૦૦ રૂપિયાનો સામાન હતો. ચોરીની જાણ થતાં જ RPF વેરાવળ દ્વારા CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા. ફૂટેજમાં એક વ્યક્તિ બેગ લઈ જતો દેખાયો. આ ફૂટેજના આધારે RPF સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિજય ગુજરિયા અને કોન્સ્ટેબલ અનુજ સિંહ દ્વારા સ્ટેશન અને પ્લેટફોર્મ વિસ્તારમાં શોધખોળ શરૂ કરાઈ. શંકાસ્પદ વ્યક્તિને પ્લેટફોર્મ નંબર ૦૧ પરથી પકડી લેવામાં આવ્યો. CCTV ફૂટેજ સાથે સરખામણી અને પૂછપરછ પછી આરોપીની નિશાનદેહી પરથી ચોરાયેલો બેગ, મોબાઇલ ફોન અને ચાર્જર મળી આવ્યા. મુસાફરે આ સામાનની ઓળખ કરી હતી. પકડાયેલા વ્યક્તિ ભૂપતભાઈ ચૌહાણ, જે કડિયાળી, અમરેલી જિલ્લાના રહેવાસી છે, તેને મળેલા સામાન સાથે GRP/વેરાવળને સોંપવામાં આવ્યો. આ મામલે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ FIR નોંધવામાં આવી છે. ભાવનગરના ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ વર્માએ RPF કર્મચારીઓની ઝડપી અને પ્રશંસનીય કામગીરીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે મુસાફરોની સુરક્ષા અને મદદ કરવી એ રેલવેની મુખ્ય જવાબદારી છે. ભાવનગરના ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર અજય શર્માના માર્ગદર્શન હેઠળ, ભાવનગર ડિવિઝન RPF દ્વારા મુસાફરોની સુરક્ષા, મદદ અને ચોરાયેલો કે ખોવાયેલો સામાન પાછો મેળવવા માટે સતત અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગરના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મુસાફરોનો સામાન સુરક્ષિત રીતે પાછો મેળવવો એ મુસાફર સેવા અને સંવેદનશીલતાનો મહત્વનો ભાગ છે. ભાવનગર ડિવિઝનના DRUCC મેમ્બર અનિસ રાચ્છે મુસાફરોને પોતાના સામાન પ્રત્યે સતર્ક રહેવા જણાવ્યું હતું. પશ્ચિમ રેલવે મુસાફરોની સેવા, સુરક્ષા અને વિશ્વાસને સૌથી વધુ પ્રાથમિકતા આપીને સુરક્ષિત અને સુવિધાજનક રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ભાવનગર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ, રેલવે સ્ટેશન માસ્ટર રાજીવ મિશ્રાએ રેલવે મુસાફરોને વેરાવળ સ્ટેશન પર કોઈ પણ ઘટના બને તો તરત રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.