દ્વારકા મામલતદાર કચેરીના મહેસૂલી કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ માટે આંદોલનાત્મક વલણ : કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

દ્વારકા મામલતદાર કચેરીના મહેસૂલી કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ માટે આંદોલનાત્મક વલણ : કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૬
દ્વારકા મામલતદાર કચેરીના મહેસૂલી કર્મચારીઓ દ્વારા ૧૪ જેટલી પડતર માંગણીઓને લઈને આંદોલનાત્મક વલણ અપનાવ્યું છે. જમીન દફતરના સર્વેયરો બાદ હવે મહેસૂલ વિભાગના કર્મચારીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણીઓ મૂકી છે. આંદોલનના પ્રથમ તબકકે આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન સાથે તમામ કર્મચારીઓ દ્વારા સામૂહિક રજા પર ઉતરી કામગીરી સ્થગિત બાદ આગામી તા.૭મીથી પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો અચોકકસ મુદ્દતની હડતાલ પર જવાની ચિમકી પણ ઉચ્ચારી છે. કર્મચારીઓની મુખ્ય માંગોમાં મૂળ જિલ્લામાં પરત નિમણૂંક, વર્ષ ર૦ર૩ અને ર૦ર૬ દરમ્યાન આપવામાં આવેલ બઢતી મેળવેલા કર્મચારીઓને તેમના મૂળ જિલ્લાામં બદલી આપી પરત પોસ્ટીંગ આપવું, ઓનલાઈન જિલ્લા ફેરબદલી માટે એન.ઓ.સી. પ્રથા રદ્દ કરી સંપૂર્ણ પારદર્શક ઓનલાઈન પોર્ટલ આધારિત પદ્ધતિ અમલમાં લાવવી, નાયબ મામલતદાર અને મામલતદાર કેડરમાં સીધી ભરતી પ્રક્રિયા તાત્કાલીક અસરથી બંધ કરી પ્રમોશન ચેનલ જાળવવી, કલાર્ક તેમજ મહેસૂલી તલાટી સંવર્ગની સીનીયોરીટી યાદી ત્વરિત જાહેર કરવી તથા અટકેલી ખાતાકીય પરીક્ષાઓનું આયોજન કરી તાત્કાલીક પરિણામો પ્રસિદ્ધ કરવા, પી.ટી.એ. ભથ્થામાં વર્તમાન મોંઘવારી અનુરૂપ સુધારો અને વધારો કરવો, જનસેવા કેન્દ્ર માટે અલગથી સ્ટાફ મંજૂર કરવો તેમજ ઈ-ધારા, ડીજીટલ ગુજરાત અને ઓટીપી આધારિત પોર્ટલની જટિલ પ્રક્રિયાઓ સરળ બનાવી કામનું ભારણ હળવું કરવું જેવી પ્રમુખ માંગો સામેલ છે. જો કર્મચારીઓ માસ સીએલ અને અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જશે તો જનસેવા કેન્દ્ર, ઈ-ધારા, આવક-જાતિના દાખલા અને જમીન મહેસૂલ સંબંધિત તમામ જાહેર સેવાઓ પ્રભાવિત થવાની શકયતા છે.