સંઘર્ષની કહાની સંભળાવતાં સુભાષ અહિરવાર ભાવુક થઈ રડી પડ્યા
‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’નો એપિસોડ રિલીઝ ન થતાં સમય રૈનાને કરી અપીલ, બાળપણમાં ભીખ માંગવાથી લઈને ઢાબા પર વાસણ ધોવા સુધીનો સંઘર્ષ કર્યો યાદ
મુંબઈ તા.19
જીવનમાં સફળતા મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરનાર વ્યક્તિને જ્યારે પોતાની મહેનતનું પરિણામ મળવાની આશા જાગે અને એ તક અધૂરી રહી જાય ત્યારે નિરાશા થવી સ્વાભાવિક છે. આવો જ અનુભવ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં ભાગ લેવાનો દાવો કરનારા સુભાષ અહિરવાર સાથે થયો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ પોતાના જીવનના સંઘર્ષને યાદ કરતાં રડી પડ્યા હતા. સુભાષનો દાવો છે કે તેઓ શોના એક એપિસોડના વિજેતા બન્યા હતા, પરંતુ તેમનો એપિસોડ હજુ સુધી રિલીઝ કરવામાં આવ્યો નથી. આથી તેમણે શોના નિર્માતા અને કોમેડિયન સમય રૈનાને એપિસોડ રિલીઝ કરવાની અપીલ કરી છે.
સુભાષ અહિરવારે પોતાના વીડિયોમાં દાવો કર્યો છે કે તેઓ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની બીજી સીઝનમાં પહોંચ્યા હતા. શોમાં તેમણે જજ તરફથી 10માંથી 10 ગુણ મેળવ્યા હતા અને એપિસોડના વિજેતા જાહેર થયા હતા. પોતાના દાવાના સમર્થનમાં તેમણે વીડિયોમાં સ્કોરશીટ પણ બતાવી હતી. તેમના જણાવ્યા અનુસાર, જીત બદલ તેમને એક લાખ રૂપિયા, મોબાઇલ ફોન અને ખાવાનાં કૂપન સહિતનાં ઇનામો આપવામાં આવ્યાં હતાં. જોકે, આટલું બધું થયા છતાં તેમનો એપિસોડ આજદિન સુધી પ્રસારિત થયો નથી.
સુભાષે વીડિયોમાં ભાવુક થતાં જણાવ્યું હતું કે તેમને ઇનામો મેળવવાની ખાસ ચિંતા નથી. તેમની ઇચ્છા માત્ર એટલી હતી કે લોકો તેમનું કામ જુએ, તેમની પ્રતિભાને ઓળખે અને વર્ષોની મહેનતને યોગ્ય ઓળખ મળે. આ દરમિયાન તેમણે પોતાના બાળપણના મુશ્કેલ દિવસોને પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે માત્ર છથી સાત વર્ષની ઉંમરે પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમને ભીખ માંગવી પડતી હતી. નવ વર્ષની ઉંમરે તેમણે એક ઢાબા પર વાસણ ધોવાનું કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ 12 વર્ષની ઉંમરે શાકભાજી વેચી અને 15 વર્ષની ઉંમરે મજૂરી કરીને જીવન પસાર કર્યું હતું.
સુભાષના જણાવ્યા મુજબ, તેમણે પાંચ વર્ષ સુધી સિક્યોરિટી ગાર્ડ તરીકે પણ નોકરી કરી હતી. ત્યારબાદ ફરી ઢાબા પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે પોતાના સપનાને જીવંત રાખ્યું હતું અને લગભગ સાત વર્ષ સુધી થિયેટર સાથે જોડાયેલા રહ્યા હતા. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ પણ નાણાકીય સંકડામણને કારણે તેમને વોશરૂમ ક્લીનર તરીકે કામ કરવું પડ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંગીત ક્ષેત્રે પણ કારકિર્દી બનાવવાના પ્રયાસો કર્યા હતા. જીવનમાં અનેક વખત પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે ભીખ માંગવાની સ્થિતિ આવી હતી. એટલું જ નહીં, તેમણે આર્થિક તંગીના દિવસોમાં પોતાનું લોહી વેચવાનો પણ દાવો કર્યો હતો. આટલા સંઘર્ષ બાદ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સુધી પહોંચવું તેમના માટે વર્ષોની મહેનતનું પરિણામ હતું. જોકે, એપિસોડ રિલીઝ ન થતાં પોતાની પ્રતિભાને લોકો સુધી પહોંચાડવાની તક અધૂરી રહી હોવાની લાગણી તેમણે વીડિયોમાં વ્યક્ત કરી હતી.


