સાંગલીમાં ગણેશ આરતી બાદ ભાગ્યશ્રીના પરિવારમાં વારસાનો વિવાદ, પિતાએ કહ્યું- ‘આદિત્ય રાજે જ એકમાત્ર ઉત્તરાધિકારી’

ચાર વર્ષ બાદ પારિવારિક ગણેશોત્સવમાં સામેલ થઈ ભાગ્યશ્રીએ નિભાવી પરંપરા; પિતા વિજયસિંહ રાજેએ ઉઠાવ્યા સવાલ, અભિનેત્રીએ કહ્યું- પિતાની તબિયતને ધ્યાનમાં રાખીને પરિવારની પરંપરા આગળ વધારવા લીધો નિર્ણય

સાંગલીમાં ગણેશ આરતી બાદ ભાગ્યશ્રીના પરિવારમાં વારસાનો વિવાદ, પિતાએ કહ્યું- ‘આદિત્ય રાજે જ એકમાત્ર ઉત્તરાધિકારી’

મુંબઈ, તા. ૧૯
અભિનેત્રી ભાગ્યશ્રી ચાર વર્ષ બાદ સાંગલી ખાતે પોતાના પરિવારના પરંપરાગત ગણેશોત્સવમાં સામેલ થઈ અને ગણેશ આરતી કરી હતી. જોકે આ ધાર્મિક પ્રસંગ બાદ પટવર્ધન પરિવારમાં પરંપરા અને ઉત્તરાધિકારને લઈને મતભેદ સામે આવ્યા છે. ભાગ્યશ્રીના પિતા વિજયસિંહ રાજેએ તેમની પુત્રી દ્વારા ગણેશ આરતી કરવામાં આવવા સામે વાંધો વ્યક્ત કરતાં જણાવ્યું છે કે પરિવારની આ પરંપરા માટે ઉત્તરાધિકારી અગાઉથી નક્કી કરવામાં આવ્યો છે.
ભાગ્યશ્રીએ લાંબા સમય બાદ સાંગલીમાં યોજાયેલા પારિવારિક ગણેશોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે પરંપરાગત રીતે ગણેશ આરતી કરી હતી. ભાગ્યશ્રીના જણાવ્યા પ્રમાણે તેના પિતા વિજયસિંહ રાજેની તબિયત સારી ન હોવાનું તેને લાગ્યું હતું અને તેથી પરિવારની દીકરીઓમાંથી કોઈ એકે આગળ આવીને પરંપરા જાળવવી જોઈએ તે ભાવનાથી તેણે આ વિધિમાં ભાગ લીધો હતો.
જોકે વિજયસિંહ રાજેએ ભાગ્યશ્રીના આ નિવેદન સામે અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે પોતાની તબિયત સારી હોવાનું જણાવતાં સવાલ કર્યો હતો કે તેમની ગેરહાજરીમાં ભાગ્યશ્રીને આ વિધિ કરવાની જરૂર શા માટે પડી. આ સાથે તેમણે સમગ્ર ઘટનાક્રમ પાછળના હેતુ અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો.
આ મામલે વિજયસિંહ રાજે અને તેમના પત્ની રાજલક્ષ્મી રાજે પટવર્ધનનું કહેવું છે કે પરિવારની પરંપરા મુજબ ગણેશપૂજા કરવાનો અધિકાર તેમની પાસે છે. તેમણે ભાગ્યશ્રીના પગલાં સામે વાંધો વ્યક્ત કરતાં કહ્યું હતું કે માત્ર પરિવારની પુત્રી હોવાના આધારે કોઈ પણ પરંપરાગત વિધિમાં પોતાની રીતે ભાગ લેવાનું વલણ યોગ્ય નથી.
આ વિવાદ વચ્ચે પરિવારના ઉત્તરાધિકારીનો મુદ્દો પણ સામે આવ્યો છે. વિજયસિંહ રાજે અને રાજલક્ષ્મી રાજે પટવર્ધને આદિત્ય રાજેને પોતાના એકમાત્ર ઉત્તરાધિકારી તરીકે દર્શાવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે આદિત્ય રાજેને સાંગલી વંશ અને પરિવારની પરંપરાઓના ઉત્તરાધિકારી તરીકે અગાઉથી જાહેર કરવામાં આવ્યો છે.
આદિત્ય રાજે મંદિર ટ્રસ્ટના મેનેજર અને ભાગ્યશ્રીના મામાના પુત્ર જયદીપ અભ્યંકરના પુત્ર હોવાનું જણાવાયું છે. જાન્યુઆરી 2024માં પટવર્ધન પરિવારે આદિત્યને દત્તક લીધો હતો અને ત્યારબાદ તેને પરિવાર તથા સાંગલી વંશની પરંપરાઓના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરવામાં આવ્યો હોવાનું પરિવારનું કહેવું છે.
બીજી તરફ ભાગ્યશ્રીના જણાવ્યા મુજબ તેનો હેતુ ઉત્તરાધિકારનો કોઈ દાવો કરવાનો નહીં, પરંતુ પારિવારિક પરંપરાને આગળ વધારવાનો હતો. પિતાની તબિયત અંગે થયેલી ચિંતાને કારણે પરિવારની દીકરી તરીકે તેણે ગણેશ આરતીમાં ભાગ લીધો હોવાની તેની સ્પષ્ટતા છે.
આમ, ચાર વર્ષ બાદ ભાગ્યશ્રીની સાંગલીના પારિવારિક ગણેશોત્સવમાં હાજરી અને ગણેશ આરતી બાદ પરિવારની પરંપરા તથા તેને નિભાવવાના અધિકાર અંગે મતભેદ જાહેરમાં સામે આવ્યા છે. એક તરફ ભાગ્યશ્રીએ પોતાના પગલાને પારિવારિક પરંપરા સાથે જોડ્યું છે, જ્યારે બીજી તરફ તેના પિતા વિજયસિંહ રાજે અને માતા રાજલક્ષ્મી રાજે પટવર્ધને આદિત્ય રાજેને પરિવારના એકમાત્ર ઉત્તરાધિકારી ગણાવી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.