દિલજીતના કોન્સર્ટથી અમદાવાદમાં મોંઘવારીનો માર
21 નવેમ્બરના કાર્યક્રમ પહેલાં ફ્લાઇટ ટિકિટના ભાવ રૂ. 40 હજાર અને હોટલના રૂમનું ભાડું રૂ. 35 હજાર સુધી પહોંચ્યું
મુંબઈ તા.19
પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝના અમદાવાદમાં યોજાનારા કોન્સર્ટને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 21 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્સર્ટ માટે દેશનાં વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ અમદાવાદ પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, કાર્યક્રમની અસર હવે માત્ર કોન્સર્ટની ટિકિટોના ભાવ સુધી મર્યાદિત રહી નથી, પરંતુ ફ્લાઇટ અને હોટલના ભાડામાં પણ મોટો વધારો નોંધાયો છે.
દિલજીતના કોન્સર્ટમાં ભાગ લેવા માટે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ઇન્દોર સહિતનાં શહેરોમાંથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. વધતી માંગને પગલે સામાન્ય દિવસોમાં રૂ. 3,500થી રૂ. 8,000 સુધી મળતી ફ્લાઇટ ટિકિટના ભાવ વધીને રૂ. 17,000થી રૂ. 40,000 સુધી પહોંચી ગયા છે. કેટલાક રૂટ પર હવાઈ ભાડામાં છથી સાત ગણો વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
એક ટ્રાવેલ એજન્સીના માલિકના જણાવ્યા અનુસાર, ફ્લાઇટના ભાડામાં અસાધારણ વધારો થયો છે. પરિસ્થિતિ એવી બની છે કે સામાન્ય દિવસોમાં જેટલા ખર્ચે અનેક ટિકિટ ખરીદી શકાય તેટલી રકમ હવે એક જ ટિકિટ માટે ચૂકવવી પડી રહી છે. કોન્સર્ટ માટે આવતા લોકો ઉપરાંત ઘરેલુ કામકાજ અને બિઝનેસ મીટિંગના હેતુથી અમદાવાદ પહોંચતા મુસાફરોને પણ વધેલા ભાડાની અસર થઈ રહી છે.
હવાઈ મુસાફરીની સાથે શહેરમાં હોટલના રૂમના ભાડામાં પણ બેથી ત્રણ ગણો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં રૂ. 5,000થી રૂ. 13,000માં ઉપલબ્ધ હોટલ રૂમ માટે હવે રૂ. 15,000થી રૂ. 35,000 સુધી ચૂકવવા પડી રહ્યા છે. અમદાવાદની જાણીતી હોટલોમાં પણ બુકિંગની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
ધ ગ્રાન્ડ ભગવતી હોટલના માલિક નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે મોટા મ્યુઝિક કોન્સર્ટના આયોજનથી અમદાવાદના હોટલ ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે. બહારથી આવતા લોકો કોન્સર્ટનો આનંદ માણવાની સાથે અમદાવાદ અને આસપાસનાં પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લે છે. તેના કારણે હોટલ, ટ્રાવેલ અને ટુરિઝમ સહિતનાં ક્ષેત્રોને વેગ મળે છે. આમ, દિલજીત દોસાંઝના કોન્સર્ટને કારણે અમદાવાદમાં સંગીતપ્રેમીઓનો ઉત્સાહ વધ્યો છે, તો બીજી તરફ મુસાફરી અને રોકાણના ખર્ચમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે.


