મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આરઝી હુકુમતના લડવૈયાઓની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે માટે મહત્વની જાહેરાત કરે તેવી સંભાવના
જૂનાગઢનાં મુક્તિ સંગ્રામમાં યોગદાન આપનારા આરઝી હુકુમતનાં સેનાનીઓની સ્મૃતિ માટે મ્યુઝીયમ, ફોટો ગેલેરી, નામાવલી સહિતનો ઈતિહાસ ઉજાગર થાય તેવી યોજના જાહેર થશે
જૂનાગઢ તા. ૮
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આવતીકાલે જૂનાગઢ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧પ૦મી જન્મજયંતિ પ્રસંગે એકતા યાત્રાનો કાર્યક્રમ તેમજ જૂનાગઢના આઝાદી દિવસની ઉજવણી અંતર્ગત બહાઉદીન કોલેજ ખાતે વિજયસ્તંભનું પુજન, આરઝી હુકુમતના લડવૈયાઓના પરિવારજનોનું સન્માન તેમજ પ્રાસંગીક ઉદબોધન સહિતના કાર્યક્રમ યોજાનાર છે. આ તકે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આરઝી હુકુમતના લડવૈયાઓની કાયમી યાદગીરી રહે તે માટેની મહત્વની જાહેરાત પણ કરવામાં આવે તેવી શકયતા જાેવાઈ રહી છે. જૂનાગઢ શહેરમાં આવતીકાલે તા.૯ મી નવેમ્બર જૂનાગઢનાં મુક્તિ દિન એટલે કે આઝાદી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આઝાદી દિવસની પુર્વ સંધ્યાએ આજે બહાઉદીન કોલેજ ખાતે લોકડાયરાનો કાર્યક્રમ પણ યોજવામાં આવનાર છે. તેમજ આવતીકાલ ૯ મી નવેમ્બરનાં રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧પ૦ મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં માર્ચ યુનિટી એટલે કે એકતા પદયાત્રાનો પ્રારંભ જૂનાગઢ ખાતેથી કરવામાં આવશે અને ગુજરાતનાં તમામ વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાશે. દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં એકતા પદયાત્રાનો કાર્યક્રમ યોજાશે તેમજ આજ દિવસ જૂનાગઢની આઝાદીનો દિવસ હોય જેથી જૂનાગઢને આઝાદી અપાવવામાં યોગદાન આપનારા આરઝી હકુમતની સેનાનાં સેનાનીઓનાં યોગદાન તેમજ સંસ્મરણોને યાદ કરવામાં આવશે તેમજ આરઝી હકુમતનાં સેનાનીઓનાં પરિવારજનોનું ગૌરવરૂપ સન્માન પણ કરવામાં આવનાર છે. આમ આજે તા.૮ અને તા. ૯ નવેમ્બર એમ બે દિવસ ભરચક્ક કાર્યક્રમો યોજવામાં આવનાર છે. અને જે અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
૧પ મી ઓગષ્ટ ૧૯૪૭નાં દિવસે ભારત દેશ આઝાદ થયો હતો. સમગ્ર દેશ આઝાદીનો ઉત્સવ મનાવી રહેલ તે વખતે જૂનાગઢનાં તત્કાલીન નવાબે પાકિસ્તાન સાથે જૂનાગઢનાં જાેડાણની જાહેરાત કરતા જૂનાગઢ અને સોરઠમાં તેનો ભારે વિરોધ થયો હતો. અને લોકક્રાંતિ થઈ હતી જેને નામ અપાયું હતું જૂનાગઢ આરઝી હકુમત. આરઝી હુકુમતની સેનામાં જાેડાયેલ સોરઠની ખમીરવંતી પ્રજાએ હિંમતથી મુકાબલો કરી અને આખરે ૯મી નવેમ્બર ૧૯૪૭નાં દિવસે જૂનાગઢને આઝાદી અપાવી હતી. જૂનાગઢને આઝાદી અપાવવામાં યોગદાન આપનારા ભારત માતાનાં વીર સપૂતોની યાદગીરી કાયમી જળવાઈ તેવી લાગણીનાં ભાગરૂપે જૂનાગઢમાં આરઝી હકુમતનું સ્મારક બનાવવાની માંગણી રહેલી છે. ૧૯૯૭માં તત્કાલીન મુખ્યમંત્રી દિલીપ પરીખનાં સમયગાળામાં બહાઉદીન કોલેજ ખાતે આરઝી હકુમતનાં વિજય સ્તંભનું નિર્માણ થયું હતું. દર વર્ષે વિજય સ્તંભનું પૂજન કરવામાં આવે છે અને આરઝી હુકુમતનાં લડવૈયાઓને વંદના કરવામાં આવે છે દરમ્યાન આવતીકાલે જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે. ત્યારે જૂનાગઢ ખાતે પધારનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આરઝી હકુમતનાં વીર સેનાનીઓની કાયમી સ્મૃતિ જળવાઈ તે માટે આરઝી હકુમત સ્મારકનાં નિર્માણની જાહેરાત કરે તેમજ એક મ્યુઝીયમ બનાવી અને આરઝી હકુમતનાં સેનાનીઓનો ઈતિહાસ તસ્વીરો સાથેની ફોટો ગેલેરી, સ્મારક સહિત બનાવવામાં આવે અને સરકારશ્રી દ્વારા તે અંગેની જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા લોકો દ્વારા રાખવામાં આવી રહી છે દરમ્યાન જૂનાગઢવાસીઓની વર્ષો જુની માંગણી અને લાગણીને ધ્યાને રાખી આવતીકાલે જૂનાગઢના મુક્તિ દિન ૯મી નવેમ્બરના રોજ બહાઉદીન કોલેજ ખાતે યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમો જેવા કે વિજય સ્તંભનું પુજન, આરઝી હુકુમતના પરિવારજનોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજવામાં આવનાર છે ત્યારે આ કાર્યક્રમના મંચ ઉપરથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આરઝી હુકુમતના લડવૈયાઓની કાયમી સ્મૃતિ જળવાઈ તે માટેની મહત્વની જાહેરાત કરે તેવી સંભાવના છે.


