વિડીયોની લાલસામાં ગિરનાર પર પગથિયાં છોડી શોર્ટકટથી જોખમી ટ્રેકિંગ કરી જીવ જોખમમાં મુકતા 5 યુવાનોને વનવિભાગે રૂ. 10,000નો દંડ ફટકાર્યો
ગરવા ગઢ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ ઘેલછાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં 6 યુવાન સુરક્ષિત પગથિયાંવાળા માર્ગને બદલે શોર્ટકટ અપનાવીને સીધા ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડતા જોવા મળ્યા. આ જોખમ કૃત્ય કરનાર કોઈનો પણ પગ લપસ્યો હોત તો મોત મળત. ઢોળાવવાળો અને લપસણો પહાડી માર્ગ અત્યંત જોખમી હોવા છતાં યુવાનોએ સોશિયલ મીડિયાની ઘેલછામાં આ સાહસ કર્યું હતું. થોડા દિવસો પહેલાં પણ આ જ પ્રકારનો શોર્ટકટ લેવાના પ્રયાસમાં એક યુવાનનું નીચે પટકાતાં મૃત્યુ થયું હોવા છતાં આ યુવાનોએ કૃત્ય કર્યું હતું. એ અંગે વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા હતા.
વિડિયો વાઈરલ થતા વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગિરનાર પર્વત પર અનધિકૃત રીતે પ્રવેશ કરનાર પાંચ યુવકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ અને મહુવાના રહેવાસી એવા આ યુવકો પર વન વિભાગ દ્વારા રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં શિવમ દેવજીભાઈ શિયાળ, ધરમભાઈ ચંદુભાઈ ચૌહાણ, હરેશભાઈ વલ્લભભાઈ રામાણી, બીજલભાઈ નરસિંહભાઈ થાપા અને વિશાલભાઈ મુકેશભાઈ બાંભણિયા (રહે. મહુવા, ભાવનગર)નો સમાવેશ થાય છે. પર્વત પર અનધિકૃત પ્રવેશ બદલ કરવામાં આવેલી આ કાર્યવાહી વન વિભાગ દ્વારા ચેતવણીરૂપ ગણવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયામાં યુવાનો ગિરનારના ઢોળાવવાળો રસ્તે પર્વત ચઢી રહ્યા હોવાના વીડિયોએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગિરનાર પર્વતની ઊંચાઈ 3,500 ફૂટથી પણ વધુ છે અને ભવનાથ તળેટીથી શરૂ થતી સીડીમાં લગભગ દસ હજાર પગથિયાં છે, જે દત્તાત્રેય શિખર સુધી પહોંચે છે. પગથિયાં સિવાયનો પહાડી માર્ગ અત્યંત ઢોળાવવાળો, લપસણો અને ઝાડ-પાંદડાંથી ભરપૂર હોવાથી અકસ્માતની સંભાવના ઘણી વધારે છે. ત્યારે આ વાઇરલ વીડિયોમાં દેખાતાં આ દૃશ્યો માત્ર સાહસ નથી, પણ જીવનું જોખમ છે. જો આમાં કોઈ આકસ્મિક ઘટના બને તો એની જવાબદારી કોની રહેશે, એ મોટો સવાલ છે.

આ પ્રકારના શોર્ટકટનાં ગંભીર પરિણામો તાજેતરમાં પણ સામે આવ્યાં હતાં. થોડા દિવસો પહેલાં પરિક્રમાના સમયમાં જ એક યુવાનને આ રીતે જીવ ગુમાવવો પડ્યો હતો. આશરે 30થી 35 વર્ષની ઉંમરનો એક અજાણ્યો યુવક 3200 પગથિયાંથી પટકાઈને નીચે 2500 પગથિયાં પાસે મોતને ભેટ્યો હતો. દુકાનધારકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ઊંચાઈ પરથી પછડાટને કારણે તેનું મૃત્યુ થયું હતું.
એક તરફ વન વિભાગ જંગલમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરનારા લોકો પાસેથી દંડ વસૂલે છે અને જંગલ સંરક્ષણના દાવા કરે છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં યુવાનો પર્વત પર શોર્ટકટ રસ્તે કેવી રીતે પહોંચી શક્યા તે પણ એક સવાલ છે ત્યારે સ્પષ્ટ પણે વનવિભાગની બેદરકારી સાબિત થાય છે.
આ સમગ્ર મામલે વન વિભાગના અધિકારી અરવિંદ ભાલિયાએ જણાવ્યું હતું કે આ યુવાનો નવી સીડી મારફત વેલનાથ બાપુની જગ્યા અને ત્યાંથી ગિરનાર પર્વત પર ચડ્યા હોય એવું હાલ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. આ વાઇરલ વીડિયોને લઇ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


