જૂનાગઢમાં તિક્ષ્ણ હથિયાર વડે વૃધ્ધાની કરપીણ હત્યા 

સીસીટીવી ફૂટેજ, ટેકનીકલ સોર્સ તેમજ જુદી જુદી દિશામાં ચાલતી  તપાસ : ટુંક સમયમાં આરોપી ઝડપાઈ જશે : ડીવાયએસપી હિતેષ ધાધલીયા

જૂનાગઢમાં તિક્ષ્ણ હથિયાર વડે વૃધ્ધાની કરપીણ હત્યા 

જૂનાગઢ તા.13
જૂનાગઢ શહેરમાં ગીરીરાજ સોસાયટી વિસ્તારમાં આવેલી ચિત્રકુટ સોસાયટી ખાતે ગઈકાલે સાંજે 63 વર્ષનાં એક વૃધ્ધાની તેમના જ નિવાસ સ્થાને અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી ગળુ કાપી કરપીણ હત્યા કરવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા બનાવનાં મુળ સુધી પહોંચવા માટેની કવાયતો હાથ ધરવામાં આવી છે અને નજીકનાં સમયમાં જ વૃધ્ધાની હત્યાના બનાવનો ભેદ ઉકેલાય જશે તેમજ હત્યારાઓને પણ ઝડપી લેવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ શહેરનાં ગીરીરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૃટ સોસાયટીમાં રહેતા સુનિતાબેન રમેશભાઈ રાયજા (ઉ.વ.63) ગઈકાલે તેમના ઘરે એકલા હતા ત્યારે કોઈ અજ્ઞાત હત્યારાઓએ તેની હત્યા કરી નાખી હોવાનું બહાર આવેલ છે. મૃતક સુનિતાબેન તેમના પતિ, પુત્ર અને વહુ સાથે રહેતા હતા જે સમયે બનાવ બન્યો ત્યારે તેમના પતિ માંગનાથ બજારમાં આવેલી પોતાની કાપડની દુકાને ગયા હતા જયારે તેમનો પુત્ર વ્યવસાયીક કામ માટે બહાર હતો અને પુત્ર વધુ પિયર ગઈ હોવાનું જાણવા મળે છે. દરમ્યાન ગઈકાલે સાંજનાં મૃતક વૃધ્ધાનાં પરીવારજનોએ સુનિતાબેનને વારંવાર ફોન કર્યા હતા પરંતુ તેમનો ફોન સુનિતાબેન ઉપાડતા ન હોવાથી તેમનો પરીવાર ચિંતામાં મુકાયો હતો. તેમણે તાત્કાલીક પાડોશમાં રહેતા લોકોને ફોન કરીને તપાસ કરવા જણાવ્યું હતું. પાડોશીઓ જયારે ઘરે પહોંચ્યા ત્યારે સુનિતાબેનને લોહી લોહાણ હાલતમાં જાેઈ સ્તબ્ધ બની ગયા હતા અને તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવી હતી. ચિત્રકુટ સોસાયટીમાં 63 વર્ષનાં વૃધ્ધાની કરપીણ હત્યાનો બનાવ બનવા પામતા લોકોનાં ટોળે ટોળા એકઠા થયા હતા. આ દરમ્યાન બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢનાં ડીવાયએસપી હિતેષ ધાંધલીયા તેમજ ક્રાઈમ બ્રાન્ચ, બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો કાફલો બનાવનાં સ્થળે દોડી ગયો હતો. પ્રાથમીક તપાસમાં વૃધ્ધાનાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારનાં નિશાન મળી આવ્યા હતા. આ હત્યા લુંટનાં ઈરાદે કરવામાં આવી છે કે, તેની પાછળ કોઈ અંગત અદાવત જવાબદાર છે તેમજ આ હત્યા કોના દ્વારા કરવામાં આવી છે તે બધા જ સવાલોનાં જવાબ મેળવવા માટે પોલીસ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પીટલ ખાતે મોકલી આપવામાં આવેલ તેમજ ઘટના સ્થળનાં સીસીટીવી ફૂટેજ તેમજ સાંયોગીક પુરાવાને ધ્યાને લઈ તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. દરમ્યાન આ બનાવનાં અનુસંધાને મૃતકનાં પુત્ર દિલીપભાઈ રમેશભાઈ રાયજા (ઉ.વ.39)એ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, તેમના માતા ઘરે એકલા હતા ત્યારે અજ્ઞાત આરોપીઓ કોઈપણ રીતે મકાનમાં પ્રવેશ કરી અને મૃતક સુનિતાબેનને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોવાનું ફરીયાદમાં નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ કલમ બીએનએસ 103(1), 332(એ) જીપીએકટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એ.બી. ચૌધરી ચલાવી રહયા છે. દરમ્યાન હત્યાનાં આ બનાવ અંગે ટેકનીકલ સોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે અને વૃધ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ ચાલી રહયો છે દરમ્યાન સૌરાષ્ટ્ર ભૂમિ સાથેની વાતચીતમાં ડીવાયએસપી હિતેષ ધાધલીયાએ જણાવ્યું હતું કે, હત્યા કેસનો ભેદ ઉકેલવા તમામ ટીમોને કામે લગાડવામાં આવી છે. જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે અને ખૂબજ નજીકનાં સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

મૃતક - સુનિતાબેન રાયજા