જૂનાગઢની 500થી વધુ શાળાઓમાં ‘ડિઝાસ્ટર સેફ્ટી ટ્રેનિંગ’નો પ્રારંભ, વિદ્યાર્થીઓને મોકડ્રિલથી અપાશે આપત્તિ સામે લડવાની તાલીમ

ભૂકંપ, આગ, પૂર અને વાવાઝોડા સમયે સલામતીથી લઈને CPR, ફર્સ્ટ એઇડ, સર્ચ એન્ડ રેસ્ક્યુ અને ઈવેક્યુએશન સુધીની પ્રાયોગિક સમજ અપાશે; 28 ફેબ્રુઆરી 2027 સુધી તબક્કાવાર ચાલશે અભિયાન

જૂનાગઢની 500થી વધુ શાળાઓમાં ‘ડિઝાસ્ટર સેફ્ટી ટ્રેનિંગ’નો પ્રારંભ, વિદ્યાર્થીઓને મોકડ્રિલથી અપાશે આપત્તિ સામે લડવાની તાલીમ

જૂનાગઢ, તા.૫
જૂનાગઢ જિલ્લામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કુદરતી તેમજ અન્ય પ્રકારની આપત્તિઓ સામે વધુ સજ્જ બનાવવા માટે મોટા પાયે ‘ડિઝાસ્ટર સેફ્ટી ટ્રેનિંગ’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA), ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના 500થી વધુ શાળાઓ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આ તાલીમ કાર્યક્રમ તબક્કાવાર યોજવામાં આવશે.
આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ વધારવાની સાથે કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે ગભરાયા વગર સલામતીના યોગ્ય પગલાં લઈ શકાય તેવી વ્યવહારુ સમજ વિકસાવવાનો છે.
‘ડિઝાસ્ટર સેફ્ટી ટ્રેનિંગ’ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત ITIમાં પણ તાલીમ આપવામાં આવશે. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોને પણ આપત્તિ સમયે તાત્કાલિક પ્રતિસાદ, સલામતી અને બચાવ કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
તાલીમ દરમિયાન ભૂકંપ, આગ, ભારે વરસાદ અને પૂર તેમજ વાવાઝોડા જેવી આપત્તિઓ સમયે શું કરવું અને શું ન કરવું તેની વિસ્તૃત સમજ આપવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઈમરજન્સી સર્જાય ત્યારે સલામત સ્થળે કેવી રીતે સ્થળાંતર કરવું, ઈમરજન્સી એક્ઝિટનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો અને અગાઉથી નક્કી કરાયેલા એસેમ્બલી પોઈન્ટ સુધી કેવી રીતે પહોંચવું તે અંગે પણ તાલીમ આપવામાં આવશે.
માત્ર સૈદ્ધાંતિક માહિતી પૂરતી મર્યાદિત ન રહીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવશે. જેમાં ફાયર સેફ્ટી, ફર્સ્ટ એઇડ, CPR, સર્ચ એન્ડ રેસ્ક્યુ, રોડ સેફ્ટી અને ઈવેક્યુએશન ડ્રિલ જેવી મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવશે. તેના માધ્યમથી વાસ્તવિક આપત્તિ જેવી પરિસ્થિતિનું અનુકરણ કરીને વિદ્યાર્થીઓ અને સ્ટાફને ઈમરજન્સીના સમયે કેવી રીતે સંકલિત રીતે કામગીરી કરવી તેની પ્રત્યક્ષ સમજ આપવામાં આવશે. આપત્તિ સમયે કોણે કઈ જવાબદારી સંભાળવી, સલામત રીતે બહાર કેવી રીતે નીકળવું અને બચાવ કામગીરી દરમિયાન શું ધ્યાન રાખવું જેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓના વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડરને ધ્યાનમાં રાખીને સમગ્ર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૦૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૮/૦૨/૨૦૨૭ સુધી ‘ડિઝાસ્ટર સેફ્ટી ટ્રેનિંગ કેલેન્ડર મોડ્યુલ’ અંતર્ગત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તબક્કાવાર તાલીમ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં સંબંધિત વિભાગોની સાથે સ્થાનિક ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ તથા તાલીમકારોનો સહયોગ લેવામાં આવશે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલી જરૂરી જાણકારી અને પ્રાયોગિક તાલીમ પૂરી પાડવામાં આવશે.
જિલ્લાની 500થી વધુ શાળાઓ સુધી પહોંચનારા આ અભિયાન દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપત્તિ સામેની પૂર્વ તૈયારી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને શાળાના સ્તરેથી જ વિદ્યાર્થીઓમાં સલામતી અંગેની સમજ વિકસે અને મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહી યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ઊભી થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.
આપત્તિની સ્થિતિમાં પોતાની સુરક્ષા કરવાની સાથે અન્ય લોકોને પણ સુરક્ષિત સ્થળે પહોંચાડવા અને જરૂરી પ્રાથમિક મદદ પૂરી પાડવા જેવી બાબતોની સમજ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની શકે છે. નિયમિત તાલીમ અને મોકડ્રિલથી શૈક્ષણિક સંસ્થાઓની આપત્તિ સામેની પૂર્વ તૈયારી વધુ મજબૂત બનાવવાનો તેમજ સંભવિત જાનમાલના નુકસાનને ઘટાડવામાં મદદરૂપ થવાનો આ કાર્યક્રમનો ઉદ્દેશ છે.