માતા-પિતા તેમની સંપત્તિમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે : સુપ્રિમ કોર્ટ
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭:
માતા-પિતાની મિલકત પર સંતાનોના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ર્નિણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો તેમની સંપત્તિમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે. આ ચુકાદામાં જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે એક વૃદ્ધ પિતાને તેમની પૈતૃક મિલકતનો કબજો પાછો અપાવ્યો છે, જે તેમના જ દીકરાએ પચાવી પાડ્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશમાં માતા-પિતાના અધિકારો પર ભાર મૂકતા જણાવ્યું કે, માતા-પિતા તેમની મિલકતમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે. કોર્ટે ‘મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ-૨૦૦૭‘નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, આ કાયદા હેઠળ ટ્રિબ્યુનલને એવા સંતાનોને સંપત્તિમાંથી બેદખલ કરવાનો અધિકાર છે, જેઓ વૃદ્ધ માતા-પિતાને રહેવા-ખાવા અને તેમની સંભાળની જવાબદારીમાંથી દૂર ભાગે છે અથવા તેમની ઉપેક્ષા કરે છે.


