‘લાલો’ - વિશ્વભરમાં રૂા.૧૦૦ કરોડનું ગ્રોસ કલેકશન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બની
ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે
(બ્યુરો) રાજકોટ, તા. ૨૯:
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે આજનો દિવસ એક અકલ્પનીય સિદ્ધિના ગૌરવ સાથે સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. ભક્તિમય કથા પર આધારિત સુપરહિટ ફિલ્મ ‘લાલો - કૃષ્ણ સદા સહાયતે‘ એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. આ ગુજરાતી ફિલ્મ વિશ્વભરમાં ૧૦૦ કરોડનું ગ્રોસ કલેક્શન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બનીને પ્રાદેશિક સિનેમા માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. દર્શકોના અપાર પ્રેમ અને જબરદસ્ત ‘માઉથ પબ્લિસિટી‘ના જોરે ‘લાલો‘ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ વિશ્વભરના ગુજરાતીઓ વચ્ચે એક સાંસ્કૃતિક લહેર બની ગઈ છે. થિયેટરોમાં રિલીઝ થયાના ૪૯ દિવસો બાદ, ‘લાલો‘એ ભારતમાં જ ૯૩.૫૦ કરોડની જંગી કમાણી કરી છે, જે તેને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બનાવે છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં રિલીઝ થયા બાદ, ઓવરસીઝ કલેક્શનમાંથી તેમાં ૫.૫૦ કરોડનો મોટો ઉમેરો થયો છે.
આ સાથે ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન આજે ૯૯ કરોડની નજીક પહોંચી ગયું છે. ટ્રેડ પંડિતોનું માનવું છે કે ૫૦મા દિવસના અંત સુધીમાં આ ફિલ્મ ૧૦૦ કરોડનો જાદુઈ આંકડો સરળતાથી પાર કરી જશે.
લાલો ફિલ્મના કથાનકે ગુજરાતી પરિવારોને ભારે અસર કરી છે. તેવું ફિલ્મ વિવેચકોનું માનવું છે.


