એરબસ A-320 સીરીઝના સોફટવેરમાં ક્ષતિ સર્જાતા હજારો વિમાનો ગ્રાઉન્ડેડ કરાયા : વિશ્વવ્યાપી અસર
(એજન્સી) નવી દિલ્હી તા.ર૯
વિશ્વમાં સૌથી વધુ વેચાતાં એરબસ A320 સિરીઝનાં એરક્રાફ્ટ પર તીવ્ર સોલર રેડિયેશનનો ખતરો મંડરાઈ રહ્યો છે, જે એરક્રાફ્ટના જરૂરી ડેટાને ખરાબ કરી શકે છે, જેનાથી ફ્લાઇટ કંટ્રોલ પર અસર પડી શકે છે.તેનાથી બચવા માટે એરબસે તમામ એરલાઇન કંપનીઓને તેમના કાફલામાં સામેલ A320 સિરીઝનાં વિમાનોનાં સોફ્ટવેર અપડેટ કરવાના નિર્દેશ આપ્યા છે. જેને કારણે ભારત સહિત દુનિયાભરમાં ૬,૦૦૦ વિમાનોના ઓપરેશન પર અસર પડી શકે છે. સેંકડો વિમાનો મોડાં ઊડવાની કે ફ્લાઇટ્સ કેન્સલ થવાની શક્યતા છે. ભારતમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા ગ્રુપ પાસે લગભગ ૫૬૦ A320 સિરીઝનાં વિમાન છે. એેમાંથી ૨૦૦-૨૫૦ વિમાનોને સોફ્ટવેર અપગ્રેડની જરૂર પડશે. સોફ્ટવેર અપગ્રેડ ન થાય ત્યાં સુધી આ એરક્રાફ્ટ ઉડાન ભરી શકશે નહીં.સોફ્ટવેર અપડેટનું કામ ૨-૩ દિવસમાં પૂરું થવાની અપેક્ષા છે. આ પછી તમામ એરક્રાફ્ટ ૨ ડિસેમ્બર સુધીમાં ઉડાન ભરી શકશે.


