નોરા ફતેહી સામે ગાંધીનગર કોર્ટમાં રૂ.૩ કરોડનો માનહાનિનો દાવો, ચાર્ટર્ડ પ્લેન અંગેની પોસ્ટથી વિવાદ

ડ્યુન્સ એવિએશનનો આરોપ- સોશિયલ મીડિયા વીડિયોથી કંપનીની પ્રતિષ્ઠા અને બુકિંગને નુકસાન; મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી

નોરા ફતેહી સામે ગાંધીનગર કોર્ટમાં રૂ.૩ કરોડનો માનહાનિનો દાવો, ચાર્ટર્ડ પ્લેન અંગેની પોસ્ટથી વિવાદ

મુંબઈ, તા.૯
બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી સામે ગાંધીનગરની પ્રિન્સિપલ સિવિલ જજની અદાલતમાં રૂ.૩ કરોડનો માનહાનિનો સિવિલ દાવો અને સ્ટે અરજી દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ગાંધીનગર સ્થિત ચાર્ટર્ડ વિમાન સેવા આપતી ડ્યુન્સ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
કંપનીનો આરોપ છે કે નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર તેના ચાર્ટર્ડ પ્લેનના કદ અને સુરક્ષાને લઈને કરેલી ટિપ્પણીઓથી કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. અહેવાલ મુજબ નોરાએ પ્લેનને ‘રમકડું’ અને ‘એમેઝોનમાંથી મગાવેલું’ હોવાના અર્થમાં ટિપ્પણી કરી તેની મજાક ઉડાવી હોવાનો કંપનીએ દાવામાં આક્ષેપ કર્યો છે.
કેસની વિગતો મુજબ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ જયપુર ખાતે આયોજિત એક બ્રાન્ડ લોન્ચિંગ ઇવેન્ટમાં પરફોર્મ કરવા માટે નોરા ફતેહી અને તેમની ટીમને મુંબઈથી જયપુર લઈ જવા ડ્યુન્સ એવિએશનનું ‘Cessna Citation CJ2’ ચાર્ટર્ડ પ્લેન બુક કરવામાં આવ્યું હતું.
કંપનીના દાવા પ્રમાણે આ મુસાફરી દરમિયાન નોરા ફતેહીએ પોતાના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક સ્ટોરી અને વીડિયો શેર કર્યા હતા. કંપનીનો આરોપ છે કે આ સામગ્રીમાં પ્લેનની સુરક્ષા અને કદ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓથી તેની વ્યાવસાયિક છબીને નુકસાન પહોંચ્યું હતું.
આ મામલે ડ્યુન્સ એવિએશને ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ નોરા ફતેહીને કાનૂની નોટિસ મોકલી સોશિયલ મીડિયા પરથી સંબંધિત સામગ્રી દૂર કરવા, બિનશરતી માફી માંગવા અને નુકસાનનું વળતર ચૂકવવાની માગ કરી હોવાનું જણાવાયું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે યોગ્ય પ્રતિસાદ ન મળતાં ગાંધીનગર સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે.
કંપનીના અધિકૃત સહીકર્તા સોનિયા શિવંગ શાહ તરફથી કોર્ટમાં રજૂ કરાયેલા દાવામાં જણાવાયું છે કે સંબંધિત વિમાન DGCA દ્વારા પ્રમાણિત ‘બિઝનેસ જેટ’ છે અને લાગુ સુરક્ષા ધોરણોનું પાલન કરે છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે નોરા ફતેહીનો વીડિયો વાયરલ થયા બાદ આશરે ૪૫થી ૫૦ દિવસમાં તેના બુકિંગમાં ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ તમામ આરોપો ડ્યુન્સ એવિએશન દ્વારા કોર્ટમાં કરવામાં આવેલા દાવાનો ભાગ છે. નોરા ફતેહી તરફથી આ આરોપો અંગેનો જવાબ અથવા કોર્ટનું અંતિમ તારણ હજુ સામે આવ્યું નથી. મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી થવાની છે.