ટાઈગર શ્રોફ પર ફાયરિંગની ઘટના બાદ બોલિવૂડ સ્ટાર્સમાં ફફડાટ: ઘરોની બારીઓ બુલેટપ્રૂફ બનાવવાની કવાયત તેજ
લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકીઓ વચ્ચે કલાકારોએ ખરીદી બુલેટપ્રૂફ કાર; જાહેર કાર્યક્રમો અને પાપારાઝીથી અંતર જાળવી સુરક્ષા કાફલામાં કર્યો વધારો
મુંબઈ, તા.૨૩
અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ગોળીબારની ચકચારી ઘટના બાદ બોલિવૂડ જગતમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફિલ્મ સ્ટાર્સે પોતાની અને પરિવારની સુરક્ષાને લઈને અચાનક સતર્કતા વધારી દીધી છે. કલાકારોએ પોતાના નિવાસસ્થાનો પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દીધી છે અને ઘરોની બારીઓના સામાન્ય કાચ બદલીને તેને બુલેટપ્રૂફ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોલિવૂડના દિગ્ગજ કલાકારો હવે મોટા પાયે બુલેટપ્રૂફ કાર ખરીદવા લાગ્યા છે, જ્યારે કેટલાક સ્ટાર્સે પોતાના અંગત સુરક્ષા કાફલામાં પણ નોંધપાત્ર વધારો કરી દીધો છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત મળી રહેલી ધમકીઓને પગલે કલાકારો હવે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાનું ટાળી રહ્યા છે તેમજ પાપારાઝી અને ભીડભાડવાળી જગ્યાઓથી પણ સુરક્ષિત અંતર જાળવી રહ્યા છે.
ફાયરિંગની આ ઘટના બાદ મુંબઈ પોલીસે પણ સાવચેતીના પગલાં રૂપે ટાઈગર શ્રોફ, સલમાન ખાન, આમિર ખાન અને જાણીતા ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરોની આસપાસ સુરક્ષા બંદોબસ્ત સઘન બનાવી દીધો છે. નોંધનીય છે કે અક્ષય કુમારને અગાઉથી 'X' કેટેગરી અને સલમાન ખાનને 'Y' કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત સલમાન ખાન સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બે જાણીતી અભિનેત્રીઓ પણ પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતિત હોવાનું સામે આવ્યું છે. સલમાનની ‘ટાઈગર’ શ્રેણીની ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક અભિનેતાને તેના પરિવારજનો દ્વારા હાલ પૂરતું ઘરની બહાર જવાનું સંપૂર્ણપણે ટાળવા માટે જણાવવામાં આવ્યું છે. સુરક્ષાના ગંભીર જોખમોને જોતાં અનેક કલાકારોએ પોતાના આગામી જાહેર કાર્યક્રમો પણ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.


