જૂનાગઢ શહેરમાં કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલ ભૂગર્ભ ગટર યોજનાનું કામ આડેધડ – રહીશો પરેશાન
જૂનાગઢ શહેરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી અંગે ગંભીર બેદરકારી સામે આવી રહી છે. ખાસ કરીને કેવડાવાડી વિસ્તારમાં ચાલી રહેલ કામગીરીમાં ભારે ગેરરીતિ અને લાલિયાવાડી થતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
શહેરના વિવિધ વિસ્તારોમાંથી રહીશો દ્વારા સતત ફરિયાદો મળી રહી છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં આડેધડ ખોદકામ કરીને કામ અધૂરું છોડી દેવામાં આવે છે. તસ્વીરોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ખોદકામ બાદ સ્થળને પૂર્વવત્ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
રહીશો જણાવે છે કે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. કેટલાક સ્થળોએ તો ખોદકામના કારણે લોકો પોતાના ઘરમાં પ્રવેશ પણ કરી શકતા નથી.
ખોદકામ દરમિયાન પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવે છે, પરંતુ તેનું સમારકામ કરવામાં આવતું નથી. પરિણામે એક તરફ રહીશો પાણી વિહોણા બને છે, જ્યારે બીજી તરફ કિંમતી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
આ ઉપરાંત વર્ક ઓર્ડર અને ગાઇડલાઇનને અવગણી કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો છે. મોટી ચેમ્બર માટે મશીન દ્વારા હોલ પાડવાની જગ્યાએ JCB મશીનથી ખોદકામ કરવામાં આવે છે, જેના કારણે મોટા ગાબડા પડી જાય છે અને કચરો ચેમ્બરમાં જ રહી જાય છે, જે ભવિષ્યમાં ગંભીર નુકસાનનું કારણ બની શકે છે.
રહીશોનું કહેવું છે કે એજન્સીને આર્થિક લાભ થાય તે માટે વર્ક ઓર્ડર મુજબ કામ કરવામાં આવતું નથી. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓની મિલીભગતના કારણે મોનીટરીંગમાં પણ બેદરકારી દાખવાઈ રહી હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર એજન્સી તથા JMCના સંકળાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.




