જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા ધુળેટી પર્વની અનોખી ઉજવણી

ગિરનારી ગ્રુપ દ્વારા માનવતાની ભાવનાથી કરવામાં આવતી પ્રવૃત્તિઓ ખરેખર અનુસરણિય છે : પુજ્ય કોઠારી સ્વામી ધર્મકિશોરદાસજી (સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ, જૂનાગઢ)

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા ધુળેટી પર્વની અનોખી ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ફાગણ સુદ પૂણિર્મા પછી ઉજવાતો ધુળેટીનો પવિત્ર પર્વ ભારતીય સંસ્કૃતિમાં પ્રેમ, સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ આપતો ઉત્સવ છે. રંગોની રમઝટ સાથે દિલોને રંગી દેતો આ તહેવાર જીવનમાં આનંદ, ઉમંગ અને એકતાની સુગંધ પ્રસરાવે છે. આ પાવન અવસરે શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકો તથા તેમના પરિવારજનો સાથે ધુળેટી પર્વ ઉજવી પિચકારી, કલર, દાળિયા, ખજૂર, ધાણી, પતાસા વિગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પગપાળા જીવન નિર્વાહ કરતા જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઉનાળાની કાળઝાળ ગરમીથી રક્ષણ મળે તે માટે પગમાં પહેરવા માટેના બૂટ આપવામાં આવ્યા હતા. ઉપરાંત દર માસે અપાતી અત્યંત જરૂરિયાતમંદ લોકોને અનાજ-કરિયાણાની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર ઝળહળતો આનંદ અને રંગોથી રંગાયેલું નિર્દોષ હાસ્ય એ દર્શાવતું હતું. કે સાચી ધુળેટી તો ત્યાં ઉજવાય છે. જ્યાં હૃદયોમાં પ્રેમના રંગ ભળે. ગિરનારી ગ્રુપે માત્ર રંગો નથી વહેંચ્યા, પરંતુ ખુશીઓનું દાન કરીને માનવતાની મહેક ફેલાવી હતી. આ પ્રસંગમા જૂનાગઢના જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના પુજ્ય કોઠારી સ્વામી ધર્મકિશોરદાસજી ખાસ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે, ધુળેટી માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ મનના કલુષિત વિચારોને દૂર કરી સદભાવ, ભક્તિ અને પ્રેમના રંગથી જીવન રંગવાનું પવિત્ર અવસર છે. આ પ્રસંગે ગિરનારી ગ્રુપના સભ્યો દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, હરિભાઈ કારીયા, દેવાંગભાઈ પંડ્યા, ભરતભાઈ સંપટ, બીપીનભાઈ ઠકરાર, સુધીરભાઈ અઢિયા, જયમીનભાઈ મહેતા, સંદીપભાઈ ધોરડા, ડો. હાદિર્ક ઉસદડીયા, દિલીપભાઈ દેવાણી, સમીરભાઈ ઉનડકટ, ચંદ્રેશભાઇ દોશી સહિતના સેવાભાવી કાર્યકરો હાજર રહી પોતાની નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી. દાતાઓનાં સહયોગ અને સમર્પણથી કાર્યક્રમ હર્ષોલ્લાસભેર સંપન્ન થયો હતો. તેમ યાદીના અંતે જણાવેલ હતું.