બૃહદ ગીર-સૌરાષ્ટ્રના રેવન્યુ વિસ્તારમાં રખડતા પશુ-કુતરા સિંહો માટે અત્યંત જાેખમી પુરવાર થઈ રહ્યા છે

રખડતા પશુઓમાં જાેવા મળતી ઈતરડી બેબીસીયા નામનો રોગ ફેલાવે છે, જે સિંહો માટે મોટો ખતરો

બૃહદ ગીર-સૌરાષ્ટ્રના રેવન્યુ વિસ્તારમાં રખડતા પશુ-કુતરા સિંહો માટે અત્યંત જાેખમી પુરવાર થઈ રહ્યા છે

(એજન્સી)      નવી દિલ્હી,તા.1:
ગીરમાં સિંહોમાં ફેલાયેલા રોગચાળા અને તેના કારણે થઈ રહેલા મૃત્યુ બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા વનપ્રધાન સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ દોડી આવ્યો હતો. 13 સિંહોના મોતના મામલે છેક દિલ્હી વડાપ્રધાન સુધી પડઘા પડ્યા છે, જેને પગલે વન પ્રધાન જામવાળા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન પશુપાલન વિભાગના એક સર્વેમાં થયેલા ખુલાસા મુજબ, સૌરાષ્ટ્રમાં સિંહના વિસ્તારમાં રખડતા પશુઓ કરતાં રખડતા કૂતરાની સંખ્યા વધારે છે.
એશિયાટિક સિંહોની 95 ટકા વસ્તી સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં છે. પરંતુ ચિતાજનક બાબત એ છે કે, આ જ વિસ્તારોમાં 1.08 લાખ રખડતા કૂતરા પણ છે, જે સિંહો માટે જીવલેણ એવા CDV વાયરસના સંભવિત વાહક છે. આ જ સિંહ વિસ્તારોમાં આશરે  80,050 રખડતા પશુઓ પણ છે, જેમને ઘણીવાર મોટી ઉંમર અથવા ઓછી ઉત્પાદકતાના કારણે રસ્તા પર છોડી દેવામાં આવે છે. આ પશુઓમાં ઈતરડી જોવા મળે છે, જે બેબીસિયા નામનો રોગ ફેલાવે છે. આ રોગ પણ સિંહો માટે મોટો ખતરો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પશુપાલન વિભાગના પશુધન સર્વેક્ષણમાંથી એકત્રિત કરાયેલા નવીનતમ ડેટા મુજબ સિહની ૯૫ ટકા વસ્તી ધરાવતા આ ચાર જિલ્લાઓમાં 22.9 લાખ પાલતુ પશુઓ પણ છે. સુરક્ષિત જંગલોની બહારના વિસ્તારોમાં આશરે 84,460 વન્ય તૃણાહારી પ્રાણીઓ છે. ગીર અભયારણ્યની અંદર કોઈ રખડતા કૂતરા કે બિનવારસી પશુઓ નથી. સરકારની વ્યવસ્થાપન યોજનામાં સિહ વસવાટ ધરાવતા આ ક્ષેત્રમાં રહેલા અંદાજે 1.90 લાખ રખડતા પ્રાણીઓની હાજરી પર ધ્યાન આપવું જ પડશે, કારણ કે આ પ્રાણીઓ રોગ નિયંત્રણના પ્રયાસો સામે મોટો પડકાર ઉભો કરી શકે છે.