જૂનાગઢનાં સુપ્રસિધ્ધ દામોદર કુંડ ખાતે ‘રાળ ઉત્સવ’ની ઉત્સાહભેર થયેલી ઉજવણી : હજારો વૈષ્ણવો અબીલ-ગુલાલનાં રંગે રંગાયા
જૂનાગઢ તા. ર
જૂનાગઢના દામોદર કુંડ ખાતે ગઈકાલે રવિવારે ‘શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ‘ દ્વારા પરંપરાગત ‘રાળ ઉત્સવ‘ની અત્યંત ભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. હોળાષ્ટક પૂર્ણ થયા બાદ અને ધૂળેટી પૂર્વે ઉજવાતા આ વિશિષ્ટ ઉત્સવમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. રાધા દામોદરરાયજીના સાંનિધ્યમાં આયોજિત આ ઉત્સવે સમગ્ર તીર્થક્ષેત્રને ભક્તિમય અને રંગીન વાતાવરણમાં તરબોળ કરી દીધું હતું.
પુષ્ટિ સંપ્રદાયમાં રાળ ઉત્સવનું વિશેષ મહત્વ રહેલું છે. આ ઉત્સવ ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓ વચ્ચેના પ્રેમ અને વિરહનું પ્રતીક છે. પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને દ્વારકા પધાર્યા ત્યારે રાધિકાજી અને ગોપીઓ મથુરામાં જ રહી ગયા હતા. પ્રભુના વિરહમાં ગોપીઓના હૃદયમાં જે વિરહની અગ્નિ પ્રજ્વલિત થઈ હતી, તેના પ્રતિબિંબ રૂપે આ રાળ ઉત્સવ મનાવવામાં આવે છે.
ઉત્સવ દરમિયાન મંદિરના મુખ્યાજી દ્વારા મશાલ પ્રગટાવવામાં આવે છે અને તેના પર રાળ (એક પ્રકારના અનાજનો લોટ અથવા ઔષધીય દ્રવ્ય) ફેંકવામાં આવે છે. જ્યારે રાળ અગ્નિના સંપર્કમાં આવે છે, ત્યારે તેમાંથી પ્રચંડ જ્વાળાઓ અને ભડકા ઉત્પન્ન થાય છે. આ ભડકા ગોપીઓના હૃદયમાં પ્રભુ પ્રત્યેની વિરહની જ્વાળાઓનું સૂચન કરે છે. આ પ્રસંગે ભક્તો અને ભગવાન વચ્ચે રિસામણા-મનામણાના પદો અને રસિયાઓ ગાઈને વાતાવરણને જીવંત બનાવવામાં આવ્યું હતું.
રાળ ઉત્સવ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ ઊંડું વૈજ્ઞાનિક મહત્વ પણ ધરાવે છે. હાલમાં જ્યારે શિયાળા અને ઉનાળાની મિશ્ર ઋતુ (ઋતુ પરિવર્તન) ચાલી રહી છે, ત્યારે વાતાવરણમાં હાનિકારક વિષાણુઓ અને જંતુઓનો ઉપદ્રવ વધતો હોય છે. રાળ ઉત્સવમાં વપરાતી રાળ અને તેનાથી ઉત્પન્ન થતો ઔષધિયયુક્ત ધુમાડો હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરવામાં મદદરૂપ થાય છે.આમ આ ઋષિ-મુનિઓ દ્વારા સ્થાપિત પરંપરા જનસ્વાસ્થ્યના રક્ષણનો પણ એક ભાગ છે. આ વર્ષે રાળ ઉત્સવ દરમ્યાન એક વિશેષ સંકેત પણ જાેવા મળ્યો હતો. મશાલમાંથી નીકળતી રાળની જ્વાળાઓ પૂર્વ દિશા તરફ ગતિ કરતી જાેવા મળી હતી. જ્યોતિષીય અને લોકમાન્યતા મુજબ, રાળની જ્વાળાનું પૂર્વ દિશામાં જવું એ આગામી વર્ષ સુખદ અને સમૃદ્ધ રહેવાના સંકેત આપે છે. આ સાથે જ પુરુષોત્તમ માસમાં સારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતો અને ભક્તોમાં ખુશીની લહેર જાેવા મળી હતી.
ઉત્સવના અંતિમ ચરણમાં ભક્તોએ એકબીજા પર અબીલ, ગુલાલ અને વિવિધ રંગો છાંટીને હોળી-ધૂળેટીની પૂર્વ સંધ્યાએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. જે રીતે બરસાનામાં હોળી ખેલાય છે એવો જ નજારો દામોદર કુંડના ઘાટ પર જાેવા મળ્યો હતો. આધુનિક મશીનો દ્વારા હવામાં ઉડાડવામાં આવેલા રંગો અને ઠાકોરજીના સન્મુખ ખેલાયેલા ફૂલડોલ ઉત્સવે ઉપસ્થિત તમામ વૈષ્ણવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.


