ઉનામાં યુવા કોળી સંગઠન દ્વારા નેપાળ પૂર હોનારતમાં મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ

ઉનામાં યુવા કોળી સંગઠન દ્વારા નેપાળ પૂર હોનારતમાં મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ

(નિરવ ગઢીયા દ્વારા)
ઉના તા.૯ 
નેપાળમાં સર્જાયેલી ભયાનક પૂર હોનારત અને પાણીના વિનાશક પ્રવાહને કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કરૂણ અને હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર માનવ સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. આ દુ:ખદ ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને ઉના ખાતે યુવા કોળી સંગઠન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવા કોળી સંગઠનના પ્રમુખ અલ્પેશભાઈ બાંભણિયા, મોહન મૈયા, નિલેશ વાજા સહિત સંગઠનના આગેવાનો, કાર્યકરો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ પ્રાર્થના કરી હતી કે, “હે પરમાત્મા, કુદરતના આ ભયાનક પ્રકોપમાં જેમણે પોતાના અમૂલ્ય જીવન ગુમાવ્યા છે, તે તમામ દિવંગત આત્માઓને તમારા શ્રીચરણોમાં સ્થાન આપો અને તેમની આત્માને શાશ્વત શાંતિ અર્પણ કરો. પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારજનોને આ અસહ્ય દુ:ખ સહન કરવાની શક્તિ, ધીરજ અને હિંમત આપો. આ આપત્તિમાં અસરગ્રસ્ત દરેક વ્યક્તિના જીવનમાં ફરીથી સુખ, શાંતિ અને આશાનો પ્રકાશ પથરાય તેવી પ્રાર્થના.” યુવા કોળી સંગઠનના પ્રમુખ અલ્પેશભાઈ બાંભણિયા દ્વારા જણાવ્યું હતું કે કુદરતી આફત કોઈ એક વ્યક્તિ કે સમાજનું દુ:ખ નથી, પરંતુ સમગ્ર માનવજાત માટેની કરુણ ઘટના છે. આવી મુશ્કેલીના સમયમાં માનવતા, એકતા અને પરસ્પર સહયોગની ભાવના સાથે અસરગ્રસ્ત લોકોની પડખે ઊભા રહેવું એ આપણી સૌની જવાબદારી છે. અંતમાં તમામ દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી “ૐ શાંતિ... શાંતિ... શાંતિ...”ના મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.