દ્વારકા આવતા યાત્રીકોની આતુરતાનો અંત, સુદામા સેતુ નવનિર્માણનું ટેન્ડર મંજૂર : ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા. રપ
નિર્માણ સાથે જ દ્વારકા યાત્રાધામનું પ્રમુખ આકર્ષણ બની ગયેલ સુદામા સેતુ ૩ વર્ષ સુધી સમારકામના નામે બંધ રહયા બાદ આખરે સુદામા સેતુના નવનિર્માણના લેવાયેલ ર્નિણય બાદ ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થતાં અને ટેન્ડર મંજૂર થતા ટૂંક સમયમાં સુદામા સેતુ નવનિર્માણની કામગીરીનો પ્રારંભ થશે.
યાત્રાધામની મુલાકાતે આવતા દર્શનાર્થીઓ માટે ફરી એકવાર સુદામા સેતુ દર્શનીય સ્થળ બનશે. ઓકટોબર ર૦રરમાં મોરબી બ્રીજ દુર્ઘટના બાદ યાત્રીકો માટે રાજ્યભરના તમામ ઝુલતા પૂલ બંધ કરી દેવાની સાથે દ્વારકાનો સુદામા સેતુ પણ યાત્રીકોની અવર-જવર માટે બંધ કરી દેવાયો હતો. જેના કારણે સામા કાંઠે આવેલ પંચનદ તીર્થ તેમજ રમણીય બીચની મુલાકાતથી યાત્રીકો દર્શનાર્થીઓ વંચિત રહી જતા હતા. આ પૂલના નવનિર્માણ હેતુ સરકાર દ્વારા ૧૪.૧૧ કરોડના ખર્ચે લેવાયેલ ર્નિણય બાદ આખરે આ કામનું ટેન્ડર મંજૂર થયું છે અને પી.ડબલ્યુ.ડી. વિભાગ દ્વારા કંપનીને નવનિર્માણની કામગીરી સોંપાઈ છે જે માટે ૯.૧૧ કરોડ યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ પાંચ કરોડ દ્વારકા દેવસ્થાન સમિતિ ખર્ચશે.
હાલમાં સુદામા સેતુના તમામ સુપર કન્સ્ટ્રકશનને દૂર કરી સ્ટેનલેસ સ્ટીલનો કેબલ બ્રીજ નવો બ્રીજ બનશે. હાલમાં પુલના પાયાના પીલરને યથાવત રાખી સ્ટેનલેસ સ્ટીલ મટીરીયલથી બ્રીજનું મજબૂતીકરણ કરવામાં આવશે. આ નવીનીકરણની કામગીરીના ટેન્ડરને મંજૂરી મળતા ટૂંક સમયમાં કામગીરીની શરૂઆત થનાર હોય દ્વારકા આવતા સહેલાણીઓને પુન: સુદામા સેતુની મુલાકાતનો લાભ મળશે.


