ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેવાની આશા  વરસાદની નવી સીસ્ટમ સક્રીય થઈ રહી છે

ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેવાની આશા  વરસાદની નવી સીસ્ટમ સક્રીય થઈ રહી છે

નવી દિલ્હી,તા.૮:
ગુજરાતમાં હાલ વરસાદની ઘટ વચ્ચે ફરી સારા વરસાદના સંકેતો છે. આગામી ભાદરવા મહિનામાં મેઘરાજાની નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તા.૧૦ સપ્ટેમ્બરથી રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે, જ્યારે ૧૨થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગરમી અને ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. ૬થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે અને કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે.૧૨થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં મજબૂત હવામાન સિસ્ટમ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સિસ્ટમ દક્ષિણ તરફ આગળ વધતાં તેની અસર મહારાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે.ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ સૌરાષ્ટ્ર પરથી અરબી સમુદ્ર તરફ જવાની સંભાવના દર્શાવવામાં આવી છે.