‘પંચાયત’ની પાંચમી સીઝન ઓક્ટોબર-નવેમ્બરમાં આવી શકે, હાલ પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલુ
પ્રધાનજીની ચૂંટણીમાં હાર બાદ ફુલેરા ગામમાં બદલાયેલા સમીકરણો પર આગળ વધશે વાર્તા; દિગ્દર્શકે સ્પષ્ટ કર્યું- પાંચમી સીઝન અંતિમ નહીં હોય
મુંબઈ, તા.૮
લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’ની પાંચમી સીઝનની રાહ જોઈ રહેલા દર્શકો માટે નવી અપડેટ સામે આવી છે. સિરીઝના દિગ્દર્શક દીપક કુમાર મિશ્રાએ જણાવ્યું છે કે ‘પંચાયત 5’ હાલમાં એડિટિંગ અને પોસ્ટ પ્રોડક્શનના તબક્કામાં છે. બધું આયોજન મુજબ રહ્યું તો નવી સીઝન ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન દર્શકો સમક્ષ આવી શકે છે.
દીપક કુમાર મિશ્રાના જણાવ્યા પ્રમાણે હજુ સુધી સીઝન પાંચની ચોક્કસ રિલીઝ તારીખ નક્કી કરવામાં આવી નથી. હાલમાં એડિટિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને ઓક્ટોબર-નવેમ્બરની આસપાસ તેને રિલીઝ કરવાની શક્યતા છે.
નવી સીઝનની વાર્તા અંગે પણ તેમણે કેટલાક સંકેત આપ્યા છે. અગાઉની સીઝનમાં ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને પ્રધાનજીને હારનો સામનો કરવો પડ્યો છે. હવે ચૂંટણી બાદ પ્રધાનજીનું જીવન કેવી રીતે બદલાય છે અને સત્તા ગુમાવ્યા બાદ ગામમાં તેમની ભૂમિકા કેવી રહે છે તે નવી સીઝનમાં જોવા મળી શકે છે.
આ સાથે સિરીઝના અન્ય પાત્રોના જીવનમાં પણ વાર્તા આગળ વધશે. ચૂંટણીના પરિણામ બાદ ફુલેરા ગામના બદલાયેલા રાજકીય અને સામાજિક સમીકરણો નવી સીઝનના મહત્ત્વના ભાગ બની શકે છે.
‘પંચાયત 5’ આ સિરીઝની અંતિમ સીઝન હશે કે કેમ તે અંગે ચાલી રહેલી ચર્ચા પર પણ દિગ્દર્શકે સ્પષ્ટતા કરી છે. દીપક કુમાર મિશ્રાના જણાવ્યા પ્રમાણે પાંચમી સીઝન સાથે ‘પંચાયત’નો અંત લાવવાની હાલમાં કોઈ યોજના નથી. અભિષેક ત્રિપાઠી એટલે કે ‘સચિવજી’ની વાર્તા પણ હજુ પૂર્ણ થઈ નથી.
આથી આગામી સમયમાં ‘પંચાયત’ની વાર્તામાં નવા વળાંકો અને પાત્રોના જીવનમાં વધુ ફેરફારો જોવા મળવાની શક્યતા છે.


