પશ્ચિમ બંગાળમાં ગત આખી રાત્રી હાઈ-વોલ્ટેજ ડ્રામા : ચૂંટણી અધિકારીઓની મદદથી ભાજપ દ્વારા સ્ટ્રોંગરૂમ તોડવા અને ઈવીએમમાં છેડછાડ કરાયાનો તૃણમુલનો આક્ષેપ
(એજન્સી) કોલકતા, તા.1
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી મતદાન યોજાયા બાદ અને પરિણામ પૂર્વે પણ તનાવભર્યો માહોલ ચાલુ રહ્યો છે. ગત આખી રાત્રી હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ચૂંટણી અધિકારીઓની મદદથી ભાજપે સીલ કરાયેલા સ્ટ્રોંગરૂમ તોડ્યાના તથા ઇવીએમમાં છેડછાડ કરાયાના આક્ષેપ સાથે તૃણમુલ કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોએ રાત્રે જ ધરણા શરૂ કરી દીધા હતા. સ્ટ્રોંગરૂમ ખોલાયાનો અને રહસ્યમય પ્રવૃત્તિનો વીડીયો-સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા હતા. ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કાઉન્ટીંગ સ્થળે પહોંચ્યા હતા. ચૂંટણી પંચે જો કે આરોપ નકાર્યા હતા અને બેલેટ પેપર સંબંધી કામગીરી થયાનો બચાવ કર્યો હતો. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં તા.4 મેથી હાથ ધરાનારી મત ગણતરી પૂર્વે પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા નવા રાજકીય વાવાઝોડા જેવા વિવાદમાં તૃણમુલ કોંગ્રેસે ભાજપ તથા ચૂંટણી પંચ પર ઇવીએમમાં છેડછાડનો આરોપ લગાવ્યો છે. હોબાળા વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કોલકાતાની સખાવત મેમોરિયલ સ્કૂલ સ્થિત EVM સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા અને લગભગ 4 કલાક અંદર રહ્યા. મોડી રાત્રે લગભગ 12:07 વાગ્યે બહાર નીકળીને તેમણે મીડિયાને કહ્યું, ‘જો EVM લૂંટવાનો અને મતગણતરીમાં ગેરરીતિ કરવાનો પ્રયાસ થશે તો અમે જીવની બાજી લગાવી દઈશું.’


