પાંચ રાજયોની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ દહેશત સાચી પડી
કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં રૂા.993નો તોતિંગ વધારો ઝીંકાયો
(એજન્સી) નવી દિલ્હી તા.1:
ઈરાન યુદ્ધના કારણે ક્રુડતેલ-ગેસના વધેલા ભાવ તથા આયાતમાં હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી પુરવઠાને પણ થઈ રહેલી અસર વચ્ચે કેન્દ્ર સરકારે કોમશિર્યલ ગેસ સિલીન્ડર જે 19 કિલોમાં આવે છે તેના ભાવમાં તોતીંગ રૂા.993 પ્રતિ સીલીન્ડર વધારો ઝીંકી દેતા કોમર્શિયલ વર્તુળોમાં હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને હોટેલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગને ગંભીર ફટકો પડયો છે.
ચુંટણીમાં મતદાન પછી સરકાર ધડાધડ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારશે તેવી દહેશત લાંબા સમયથી હતી તેમાં આજે 19 કિલોના ગેસ સિલીન્ડર જે ખાસ વ્યાપારી-ઉપયોગ માટે સપ્લાય કરવામાં આવે છે તેના ભાવ રૂા.993 વધારતા હવે આ સિલીન્ડરના નવા ભાવ દિલ્હીમાં રૂા.3071.50 થયા છે અને દેશભરમાં આ પ્રકારે ઉંચા ભાવ આ મુજબ વસુલાશે તો હીજરતી મજુરોના નામે સરકારે અગાઉ આંસુ પાડયા હતા તે ચુંટણી પુરતા હતા તે નિશ્ચિત થયુ છે.
ગરીબ લોકો જેમાં કાયમી રીતે મોંઘા રાંધણગેસનો ઉપયોગ કરી શકતા નથી તેઓના પાંચ કિલોના સિલીન્ડરના ભાવમાં પણ પ્રતિ સિલીન્ડર રૂા.૨૬૧નો ભાવ વધારો કરતા ગરીબ-મજુર વર્ગ પર મોટો માર પડશે. 19 કિલોના સિલીન્ડરનો ભાવવધારો હોટેલ, રેસ્ટોરા, નાના રોડસાઈડ- નાસ્તાની લારીઓના વ્યાપાર, લગ્ન સહિતના સમારોહમાં મોટો માર પડશે અને હોટલ-રેસ્ટોરન્ટમાં ખાણી-પીણીની ચીજાે તેમજ લગ્ન સમારોહમાં કેટરીંગ સર્વિસ મોંઘી બનશે.
આ વધારા સાથે, દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં કોમશિર્યલ LPG સિલિન્ડરના ભાવ હવે રૂા.3,000 ને વટાવી ગયા છે. જોકે, જનતાને રાહત આપતા, તેલ કંપનીઓએ ઘરેલુ LPG સિલિન્ડર (14.2 કિલો)ના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.


