જૂનાગઢ મનપાના મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, ડે. મેયર માટે નવી લકઝરી કારની ખરીદી કરાઈ: લાખોનો ધુમાડો
જલ્સા કર.. બાપુ જલ્સા કર... પ્રજાનાં પૈસાથી નવી ગાડીઓ આવી ગઈ : ભલે આખું શહેર ખરાબ રસ્તાઓની પિડા ભોગવતું રહે
જૂનાગઢ તા. ૩
જૂનાગઢ મનપાનાં અંધેર વહીવટનાં કારણે રસ્તા સહીતનાં અનેક પ્રશ્ને આજે લોકો ભારે તકલીફો ભોગવી રહયા છે. ખર્ચા ઉપર ખર્ચા કરવાનો જાણે અબાધીત અધિકાર હોય તેમ મનપાનાં શાસકો મનસ્વી રીતે નાણાનો વેડફાટ કરી રહયા છે અને જેને લઈને લોકોમાંથી અનેક ટીકા ટીપ્પણીઓ થઈ રહી છે. છેલ્લા ઘણા સમય થયા જૂનાગઢ શહેરનાં રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે. તેમાં પણ ચોમાસાનાં વરસાદને પગલે ખાડાઓની વણઝાર લાગી ગઈ છે ત્યારે આ રસ્તાઓ તો જયારે સારા બનશે ત્યારે પરંતુ ત્યાં સુધી પ્રજાજનોને તો ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તો બીજી તરફ મનપાનાં ભાજપનાં પદાધિકારીઓને નવા વાહનમાં ફરવાના શોખ જાગ્યા હોય તેમ લાગે છે. અને આ શોખને પુરા કરવા માટે વાહનની ખરીદી કરવામાં આવી રહી છે. નિયમ મુજબ અમુક સમય સુધી વાહનનો ઉપયોગ કરવો જ જાેઈએ. પરંતુ આ મુદત પહેલા જ પદાધિકારીઓ લકઝરી વાહન પોતાના માટે ખરીદી કરી રહયા છે (કોર્પોરેશનનાં જ ખર્ચે) આ દરમ્યાન મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તેમજ ડે. મેયર માટે નવીનકોર લકઝરી કાર વસાવવામાં આવી છે અને નવી ખરીદેલી આ કારમાં પદાધિકારીઓએ ફરવાનું પણ શરૂ કરી દીધુ હોવાનું ચર્ચાય છે. કોર્પોરેશનમાં સારી કંડીશનમાં વાહનો હોવા છતાં પણ નવી ગાડીઓ ખરીદી અને પૈસાનો બેફામ દુરઉપયોગ પદાધિકારીઓ કરી રહયા છે અને જેને લઈને લોકોમાં પણ રોષની લાગણી ઉઠવા પામી છે. પદાધિકારીઓ માટે જે નવા વાહનો ખરીદવામાં આવ્યા છે તેટલા ખર્ચામાં તો કોઈપણ રોડ સારામાં સારો બની શકે. પરંતુ શાસકોને તે તરફ કયાં ધ્યાન જ આપવું છે તેમને તો બસ જલસા કરવામાં જ રસ છે, અને ફરવામાં જ શોખ છે.
‘જલ્સા કર બાપુ જલ્સા કર... શહેર ભલે ખાડામાં જાય.. શરમ જાય તેલ લેવા.. જલ્સા કર બાપુ જલ્સા કર...’
દરમ્યાન મેયર તેમજ સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેને પોતાની કારનો ઉપયોગ હાલ કર્યો નથી અને દિવાળીના દિવસોમાં આ કારમાં ફરે તેમ મનાય છે. જયારે ડે. મેયર તો આ કારમાં ફરવા લાગ્યા હોવાનું પણ ચર્ચાય છે.


