જૂનાગઢમાં નવરાત્રી પર્વ પ્રસંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત.
શહેર અને જીલ્લામાં શાંતિપુર્ણ ઉજવણી થાય તે માટે તકેદારીના પગલા.
જૂનાગઢ તા. 25
જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવરાત્રી પર્વ પ્રસંગે લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહયા છે. અને જીલ્લાભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં નવરાત્રી પર્વની ખુબજ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. માતાજીની આરાધનાનાં પર્વ નવરાત્રીની ઉજવણી શાંતીપુર્ણ થાય અને લોકો પણ નવરાત્રી મહોત્સવ આનંદભેર માણી શકે તે માટે જૂનાગઢ શહેર અને જીલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા તકેદારીનાં અનેક પગલા લેવામાં આવી રહયા છે. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મળી 125 થી વધુ ગરબીઓ દ્વારા નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વિવિધ જ્ઞાતિ, સમાજાે દ્વારા પણ રાસોત્સવનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. શક્તિની આરાધનાનાં પર્વ નવરાત્રી મહોત્સવની જૂનાગઢ શહેર સહીત જીલ્લાભરમાં ભાવપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રીમાં દિકરીઓ દ્વારા રાસ ગરબા લઈ માતાજીની આરાધના કરવામાં આવે છે. પ્રાચીન ગરબીઓનાં રાસ-ગરબાનાં કાર્યક્રમો ઉપરાંત અર્વાચીન ગરબીઓનાં રાસ-ગરબાનાં કાર્યક્રમો પણ યોજાઈ રહયા છે. દરમ્યાન નવરાત્રીનો તહેવાર લોકો શાંતીપુર્ણ રીતે માણી શકે અને લોકોની સલામતી સુરક્ષા જળવાઈ રહે તેમજ શાંતિપુર્ણ માહોલ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર અને જીલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


